આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'તમે પરિણામ જાણો છો ?'

'હું સાવધાન છું. મારી જવાબદારીનો મને પૂરો ખ્યાલ છે.'

'હાસ્તો, તમારું શું જવાનું છે ? પણ જે નુકસાન આ ભોળવાયેલા મજૂરોને થાય છે એ તમે આપશો કે ?'

'મજૂરોએ સમજપૂર્વક અને નુકસાનને ધ્યાનમાં રાખીને આ હડતાળ પાડી છે. સ્વમાનહાનિ કરતાં બીજું વધારે મોટું નુકસાન હું સમજી શકતો નથી. મજૂરો આ વાત સમજ્યા છે એ જ મને સંતોષ છે.'

આવા પ્રકારની વાતો થઈ. આખી વાત મને આ વેળા યાદ નહીં આવી શકે. મને જે મુદ્દાઓ યાદ રહ્યા છે તે મેં ટૂંકામાં આપ્યા છે. માલિકોને પોતાનો કેસ લૂલો લાગ્યો એમ તો હું જોઈ શાક્યો; કેમ કે તેઓની મસલત સરકાર સાથે તો ચાલતી જ હતી.

જતાં ને વળતાં મેં જોયું કે ટ્રેનના ગાર્ડ વગેરેની ઉપર આ હડતાળની અને લોકોની શાંતિની છાપ પણ બહુ સારી પડી હતી. મારી મુસાફરી તો ત્રીજા વર્ગમાં ચાલતી હતી. પણ ત્યાંયે ગાર્ડ વગેરે અમલદારો મને ઘેરી લેતા, ખંતપૂર્વક હકીકત પૂછતા ને સૌને ફતેહ ઇચ્છતા. મને અનેક પ્રકારની ઝીણી સગવડો કરી આપતા. મારો તેમની સાથેનો સંબંધ હું નિર્મળ રાખતો. એક પણ સગવડને સારુ તેઓને લાલચ ન આપતો. પોતાની ઇચ્છાએ વિનય જાળવે તો મને રુચિકર હતું, પણ વિનય વેચાતો લેવાનો પ્રયત્ન જ નહોતો કર્યો, ગરીબ, અભણ, અણસમજુ મજૂરો આટલી દૃઢતા જાળવી શકે એ તેમને આશ્ચર્યકારક લાગ્યું. ને દૃઢતા તેમ જ બહાદુરી એવા ગુણ છે કે જેની છાપ વિરોધીઓની ઉપર પણ પડયા વિના નથી રહતી.

હું ન્યૂકૅસલ પાછો પહોંચ્યો. લોકોની ધારા તો ચાલી જ રહી હતી. લોકોને બધી વાત ઝીણવટથી સમજાવી, તેમને પાછા જવું હોય તો જઈ શકે છે એમ પણ કહ્યું, માલિકોની ધમકીની વાત પણ કરી; ભવિષ્યમાં રહેલાં જોખમોનું વર્ણન પણ કરી બતાવ્યું. લડાઈ કયારે પૂરી થશે એ પણ ન કહી શકાય. જેલનાં દુ:ખો સમજાવ્યાં, પણ લોકો અડગ રહ્યા. 'તમે લડવા તૈયાર હશો ત્યાં