આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમલદારનું છે. તેઓ આવડી વસ્તી વધેલી જોઈ ગભરાયા, પણ કંઈ પણ આકરા ઉપાય લેવાને બદલે મને જ મળ્યા, ને કેટલીક સૂચનાઓ કરીને મને મદદ કરવાનું પણ કહ્યું. ત્રણ વસ્તુની સંભાળ યુરોપના લોકો રાખે છે, આપણે નથી રાખતા. પાણીની સ્વચ્છતા, રસ્તાની અને પાયખાનાની સ્વચ્છતા. મારે પાણી ના ઢોળાવા દેવું, જ્યાંત્યાં લોકોને લઘુશંકા ન કરવા દેવી અને કયાંયે કચરો ન નાખવા દેવો; તેઓ બતાવે તે જ જગ્યાએ લોકોને મારે રાખવા અને ત્યાંની સ્વચ્છતાને સારુ મારે જવાબદાર થવું, આ બધું મેં ઉપકાર સાથે કબૂલ કર્યું. મને પૂરી શાંતિ થઈ.

આપણા માણસોની પાસે આ નિયમોનું પાલન કરાવવું એ ઘણું કઠિન કામ છે. પણ લોકોએ અને સાથીઓએ તે સહેલું કરી મૂકર્યું. મારો અનુભવ સદાય એવો છે કે, સેવક સેવા કરે ને હુકમ ન કરે તો ઘણું થઈ શકે છે. સેવક પોતે પોતાનું શરીર વાળે તો બીજા પણ વાળશે. આનો પૂરતો અનુભવ આ છાવણીમાં મળ્યો. મારા સાથીઓ અને હું ઝાડુ વાળવાનું, મેલું ઉપાડવાનું વગેરે કામ કરતાં જરાયે અાંચકો ન ખાતા. તેથી લોકો તે કામ હોંશે ઊંચકી લેતા. આમ ન કરીએ તો કોને હુકમ કરાય ? સૌ સરદાર થઈને બીજાને હુકમ કરે ને છેવટે કામ થાય જ નહીં. પણ જ્યાં સરદાર પોતે જ સેવક બને ત્યાં બીજા સરદારીનો દાવો જ કેમ કરી શકે ?

સાથીઓમાં કૅલનબૅક પહોંચી ગયા હતા. મિસ શ્લેશિન પણ હાજર થઈ ગઈ હતી. એ બાઈની મહેનત, કાળજી ને પ્રામાણિકપણાની સ્તુતિ જેટલી કરું તેટલી ઓછી છે. હિંદીઓમાં મરહૂમ પી. કે. નાયડુ અને ક્રિસ્ટોફરનાં નામ મને અત્યારે તો યાદ આવે છે, બીજા પણ હતા. તેઓએ પણ ખૂબ મહેનત કરીને મદદ દીધી. રસોઈમાં ચોખા ને દાળ અપાતાં. લીલોતરી ખૂબ આવી પડી હતી, પણ તે નોખી રાંધી શકાય તેવી સ્થિતિ જ નહોતી એટલે તે દાળમાં નાખવામાં આવતી. નોખું રાંધવાનો વખત ન મળે, તેટલાં વાસણ પણ ન હોય. રસોડું ચોવીસ કલાક ચાલતું, કેમ કે માણસો ભૂખ્યાંતરસ્યાં ગમે ત્યારે આવી પહોંચે. ન્યૂકૅસલમાં કોઈને રહેવાપણું