આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ ન હતું. બધાને રસ્તાની ખબર હતી એટલે ખાણમાંથી નીકળીને સીધા ચાર્લ્સટાઉન પહોંચે.

માણસોની ધીરજનો ને સહનશીલતાનો વિચાર કરું છું ત્યાં મારી આગળ ઈશ્વરનો મહિમા ખડો થાય છે. રસોઈ કરનારમાં મુખિયો હું રહ્યો. કોઈ વેળા દાળમાં વધારે પાણી પડે તો કોઈ વેળા તે કાચી રહે. કોઈ વેળા શાક ન ચડયું હોય ને કોઈ વેળા ભાત પણ કાચો રહી જાય. આવું ખાણું હસતે ચહેરે લઈ જમનારા મેં જગતમાં ઘણા ભાળ્યા નથી. એથી ઊલટું દક્ષિણ આફ્રિકાની જેલમાં એવો પણ અનુભવ લીધો કે સારા શિક્ષિત ગણાતાનો મિજાજ જરા ઓછું કે મોળું કે કાચું મળ્યું છે તો ગયો છે.

રાંધવા કરતાં પીરસવાનું કામ વધારે મુશ્કેલ હતું; અને તે તો મારે હસ્તક જ રહે. કાચાપાકાનો હિસાબ તો મારે જ આપવો રહ્યો. ખોરાક ઓછો હોય ને માણસો વધી પડે ત્યારે ઓછું આપી સંતોષવાનું પણ મારે હાથ જ રહ્યું. એ બહેનો કે જે મેં ઓછું આપ્યું હોય ત્યારે પળ વાર મારા સામું ઠપકાની નજરે જોઈને પછી મને સમજી હસીને ચાલતી થાય એ દૃશ્ય જિંદગીભર ન ભુલાય તેવાં છે. હું કહી દઉં કે, 'હું લાચાર બન્યો છું. મારી પાસે પકાવેલું થોડું છે ને જણાં ઘણાં છે એટલે મારે ભાગે પડતું જ આપવું રહ્યું.' આટલું સમજે એટલે “સંતોષમ્' કહી હસીને રવાના થાય.

આ તો બધાં મધુર સ્મરણો. કડવાં એ હતાં કે, માણસોને ઘડી નવરાશ મળી એટલે માંહોમાંહ ટંટાના અને તેથી પણ નઠારા વ્યભિચારના દાખલા મળી આવે. સ્ત્રીપુરુષોને સાથે રાખવાં જ પડતાં હતાં. ભીડ પણ એટલી જ. વ્યભિચારીને શરમ તો હોય જ શાને ? આ દાખલાઓ બનતાં હું જઈ પહોંચ્યો. માણસો શરમાયા. તેઓને અલગ રાખ્યા. પણ મારી જાણમાં નહીં આવ્યા હોય એવા કિસ્સા કેટલા બન્યા હશે તે કોણ કહી શકે ? આ વસ્તુનું વધારે વર્ણન કરવું નિરર્થક. બધું સીધું જ સીધું ન હતું એ જણાવવા ખાતર, તેમ જ આવા કિસ્સા બન્યા ત્યારે પણ કોઈએ ઉદ્ધતાઈ નથી વાપરી એ બતાવવા, મેં આટલું વર્ણન દાખલ કર્યું છે. જંગલી