આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને તે કામ આ કાફલાની પાસે જ કરાવવું. દરમિયાન નાની રાવટીઓ નાખી નબળાં પાતળાંનો તેમાં સમાવેશ કરવો ને જેઓ મજબૂત હોય તેમણે બહાર પડયા રહેવું આમાં અડચણ એ જ આવતી હતી કે હવે વરસાદની મોસમ શરૂ થવાની હતી, એટલે વરસાદના સમયમાં તો સહુને આશરો જોઈએ જ. પણ તેને પહોંચી વળવાની મિ. કેલનબેકની હિંમત હતી.

કાફલાએ કૂચની બીજી તૈયારીઓ પણ કરી. ચાર્લ્સટાઉનના ભલા અંગ્રેજ દાકતરે અમારે સારુ એક નાનકડી દવાની પેટી તૈયાર કરી અાપી અને પોતાનાં કેટલાંક હથિયારો મારા જેવો માણસ વાપરી શકે તે આપ્યાં. અા પેટી અમારે જાતે ઊંચકી જવાની હતી. કાફલા જોડે વાહન કંઈ જ નહોતું રાખવાનું. આ ઉપરથી વાંચનાર સમજી શકશે કે તેમાં અૌષધો અોછામાં અોછાં ને સો માણસોને પણ એકીવખતે પહોંચી શકે તેટલાં ન હતાં. આનું કારણ તો એ હતું કે અમારે દરરોજ કોઈ ગામની નજીક છાવણી નાખવાની હતી, એટલે ખૂટતાં ઔષધ મેળવી શકાય અને સાથે તો અમે એક પણ દરદી કે અપંગને રાખવાના ન હતા. તેને તો રસ્તામાં જ છોડવા એમ ઠર્યું હતું.

ખાવાનું તો રોટી અને ખાંડ સિવાય કંઈ હતું જ નહીં, પણ આ રોટી આઠ દિવસ કઈ રીતે પૂરી પાડી શકાય ? રોજની રોજ લોકોને વહેંચી દેવી જોઈએ. આનો ઉપાય તો એ જ રહ્યો કે અમને દરેક મજલે કોઈ રોટી પહોંચતી કરે. આ કોણ કરે ? હિંદી ભઠિયારા તો હોય જ નહીં. વળી દરેક ગામમાં રોટી બનાવનારા પણ ન હોય; ગામડાંઓમાં રોટી શહેરોમાંથી જાય. અા રોટી તો જે કોઈ ભઠિયારો પૂરી પાડે અને રેલવે તે પહોંચાડે તો જ મળી શકે. ચાર્લ્સટાઉન કરતાં વોકસરસ્ટ (ટ્રાન્સવાલનું ચાર્લ્સટાઉનને લગતું સરહદી મથક) મોટું હતું, ત્યાં ભઠિયારાની (બેકરની) મોટી દુકાન હતી. તેણે ખુશીથી દરેક સ્થળે રોટી પૂરી પાડવાનો કરાર કર્યો. અમારી કફોડી હાલત જાણી બજારભાવ કરતાં વધારે લેવાની પણ તેણે કોશિશ ન કરી; અને રોટી સરસ અાટાની બનાવેલી પૂરી પાડી. રેલવેમાં તેણે વખતસર મોકલી ને રેલવેવાળાઓએ (આ પણ