આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોરાઓ જ તો) પ્રામાણિકપણે તે પહોંચાડી; એટલું જ નહીં, તેઓએ તે પહોંચતી કરવામાં પૂરી કાળજી વાપરી, ને અમને કેટલીક ખાસ સગવડો કરી આપી, તેઓ જાણતા હતા કે અમારે કોઈની દુશ્મનાવટ ન હતી, અમારે કોઈને નુકસાન નહોતું પહોંચાડવું અમારે તો દુઃખ વેઠીને દાદ લેવી હતી. અાથી અમારી આસપાસનું આમ વાતાવરણ શુદ્ધ થયું અને રહ્યું. મનુષ્યજાતિનો પ્રેમભાવ પ્રગટ થયો. આપણે બધા ખ્રિસ્તી, યહૂદી, હિંદુ, મુસલમાન ઇત્યાદિ ભાઈઓ જ છીએ એમ સહુએ અનુભવ્યું.

આમ કૂચની બધી તૈયારી થઈ એટલે મેં ફરી સમાધાનીનો પ્રયત્ન કર્યો. કાગળ, તાર વગેરે તો મોકલ્યાં જ હતાં. મારું અપમાન તો કરશે જ, પણ થાય તો ભલે, મારે તો ટેલિફોન પણ કરવો એમ મેં નિશ્ચય કર્યો. ચાર્લ્સટાઉનથી પ્રિટોરિયા ટેલિફોન હતો. મેં જનરલ સ્મટ્સને ટેલિફોન કર્યો. તેના મંત્રીને મેં કહ્યું, 'જનરલ સ્મટ્સને કહો મારી કૂચની બધી તૈયારી છે, વૉકસરસ્કટના લોકો ઉશ્કેરાયા છે, તેઓ કદાચ અમારા જાનને પણ નુકસાન કરે. તેઓએ એવો ડર તો બતાવ્યો જ છે. આવું પરિણામ તેઓ પણ ન ઈચ્છે. તેઓ ત્રણ પાઉંડનો કર રદ કરવાનું વચન આપે તો મારે કૂચ નથી કરવી. કાયદાનો ભંગ કરવાને ખાતર તેનો ભંગ નથી કરવો. હું લાચાર બન્યો છું. તે મારું આટલું નહીં સાંભળે?' અરધી મિનિટમાં જવાબ મળ્યો, 'જનરલ સ્મટ્સ તમારી સાથે કશો સંબંધ નથી ઇચ્છતા; તમારી ઈચ્છામાં આવે તેમ કરજો.' ટેલિફોન બંધ.

મેં ધાર્યું જ હતું. માત્ર તોછડાઈની આશા નહોતી રાખી. કેમ કે અમારો સત્યાગ્રહ પછીનો રાજકીય સંબંધ હવે છ વર્ષનો ગણાય, એટલે મેં વિનયી જવાબની આશા રાખી હતી. પણ મારે તેના વિનયથી ફુલાવાનું ન હતું, તેમ આ અવિનયથી હું ઢીલો પણ ન થયો. મારા કર્તવ્યની સીધી લીટી મારી સામે સ્પષ્ટ દેખાતી હતી. બીજે દહાડે ધારેલે ટકોરે અમે પ્રાર્થના કરી ઈશ્વરને નામે કૂચ શરૂ કરી. કાફલામાં ૨,૦૨૭ પુરુષો, ૧૨૭ સ્ત્રીઓ અને પ૭ બાળકો હતાં.