આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ર૦. ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ)

આમ સંઘ કહો, કાફલો કહો કે યાત્રાળુ કહો, બરાબર ધારેલે વખતે ચાલ્યા. ચાર્લ્સટાઉનથી એક માઈલ દૂર વૉકસરરસ્ટનું ગરનાળું આવે છે. તે ગરનાળું ઊતરો એટલે વૉકસરસ્ટમાં કહેતાં ટ્રાન્સવાલમાં પ્રવેશ કર્યો ગણાય. આ ગરનાળાને છેડે ઘોડેસવાર પોલીસ હતી. હું પહેલો તેની પાસે ગયો ને લોકોને કહ્યું હતું કે હું નિશાની કરું ત્યારે તેઓએ દાખલ થવું પણ હજુ હું પોલીસની સાથે વાત કરતો હતો તેવામાં લોકોએ તો ધસારો જ કર્યો ને ગરનાળુ ઓળંગી આવ્યા. સવારો ફરી વળ્યા. પણ આ કાફલો એમ રોક્યો રોકાય તેમ ન હતો. પોલીસનો અમને પકડવાનો ઇરાદો તો હતો જ નહીં. મેં લોકોને શાંત કર્યા, ને હારબંધ ચાલવાનું સમજાવ્યું, પાંચસાત મિનિટમાં બધું શાંત પડયું, ને ટ્રાન્સવાલમાં કૂચ શરૂ થઈ.

વૉક્સરસ્કટના લોકોએ બે દિવસ પૂર્વે જ સભા ભરી હતી, તેમાં અનેક પ્રકારની ધમકીઓ આપી હતી. કેટલાક બોલ્યા હતા કે, જો હિંદીઓ ટ્રાન્સવાલમાં દાખલ થાય તો તેને અમે બંદૂકે દેશું. આ સભામાં મિ. કૅલનબૅક આ ગોરાઓને સમજાવવા સારુ ગયા હતા. મિ. કૅલનબૅકનું કોઈ સાંભળવા પણ તૈયાર ન હતા. કેટલાક તેમને મારવા ઊભા થયા. મિ. કૅલનબૅક પોતે પહેલવાન છે. તેમણે સૅન્ડોની પાસેથી કસરતની તાલીમ લીધી હતી. તેમને ડરાવવા મુશ્કેલ હતું. એક ગોરાએ તેમને દ્વંદ્વયુદ્ધનું આહ્‌વાન કર્યું. મિ. કૅલનબૅકે કહ્યું : 'મેં શાંતિધર્મનો સ્વીકાર કર્યો છે એટલે તે તો મારાથી થઈ શકે તેમ નથી; પણ મારા પર જેને પ્રહાર કરવો હોય તે સુખેથી કરી જાય; પણ હું તો આ સભામાં બોલ્યો જ રહવાનો. તમે આમાં બધા ગોરાઓને આવવાનું જાહેરનામું કાઢયું છે. બધા ગોરા તમારી જેમ નિર્દોષ માણસોને મારવા તૈયાર નથી તે સંભળાવવા હું આવ્યો છું. એક ગોરો એવો છે કે જે તમને સંભળાવવા માગે છે કે, તમે હિંદીઓની ઉપર જે આરોપો મૂકો છો તે ખોટા છે. તમે ધારો છો તે હિંદીઓ માગતા નથી. નથી જોઈતું તેમને તમારું રાજ્ય. નથી તેઓ તમારી સાથે લડવા માગતા, નથી તેઓ તમારો