આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુલક ભરી મૂકવા ઈચ્છતા. તેઓ તો શુદ્ધ ન્યાય ઈચ્છે છે, જેઓ ટ્રાન્સવાલમાં દાખલ થવા ઈચ્છે છે તેઓ વસવાટને સારુ નહીં, પણ તેઓની ઉપર અન્યાયી કર છે તેની સામે અમલી પોકાર કરવા સારુ દાખલ થવાના છે. તેઓ બહાદુર છે, તેઓ તોફાન નહીં કરે, તમારી સામે નહીં લડે, તમારી ગોળીઓ સહન કરીને પણ દાખલ તો થશે જ. તેઓ તમારી ગોળીના કે તમારા ભાલાના ડરથી પાછી પાની કરે એવા નથી. પોતે દુ:ખ સહન કરીને તમારું હૃદય પિગળાવવાના છે. પિગળાવશે જ. આટલું કહેવા હું અહીં આવ્યો છું, આટલું કહીને મેં તો તમારી સેવા કરી છે. તમે ચેતો, અન્યાયથી બચો.' આટલું કહી મિ. કૅલનબૅક શાંત રહ્યા. લોકો કંઈક શરમાયા. પેલો લડવાવાળો પહેલવાન તો મિત્ર થયો.

પણ ઉપરની સભાની અમને ખબર હતી તેથી કંઈક તોફાન વૉકસરસ્ટના ગોરા તરફથી થાય તો તે માટે અમે તૈયાર હતા. અને એટલી બધી પોલીસ એકઠી કરી હતી એનો અર્થ એ પણ હોય કે ગોરાઓને મર્યાદા ઓળંગતા અટકાવવા. ગમે તેમ હોય. અમારું સરઘસ તો શાંતિથી ચાલ્યું, કોઈ ગોરાએ કંઈ અટકચાળું કર્યું એવું પણ મને યાદ નથી. સહુ આ નવું કૌતક જેવા નીકળી પડયા. તેઓમાંના કેટલાકની અાંખમાં મિત્રતા પણ હતી.

અમારો મુકામ પહેલે દિવસે આઠેક માઈલ દૂર સ્ટેશન છે ત્યાં હતો. અમે સાંજના છસાત વાગ્યે પહોંચ્યા હતા. લોકોએ રોટી ને ખાંડ ખાધાં ને સહુ ખુલ્લી હવામાં મેદાનમાં લાંબા થયા. કોઈ ભજન ગાતા હતા તો કોઈ વાતો કરતા હતા, ને રસ્તામાં કેટલાંક બૈરાંઓ થાકેલા. પોતાનાં છોકરાંનો ભાર ઉપાડી ચાલવાની હિંમત તો તેઓએ કરી હતી પણ આગળ ચાલવું તેઓની શક્તિ બહાર હતું. તેથી મારી ચેતવણી પ્રમાણે મેં તો તેમને એક ભલા હિંદીની દુકાનમાં મૂકયાં, ને અમે ટૉલ્સટોય ફાર્મ પહોંચીએ તો ત્યાં તેમને મોકલવાં અને કેદ થઈએ તો તેઓને ઘેર મોકલવાં એવી ભલામણ કરી. હિંદી વેપારીએ આ પ્રાર્થના સ્વીકારી.

રાત થતી ગઈ તેમ તેમ બધું શાંત થયું. હું પણ ઊંઘવાની તૈયારીમાં હતો તેટલામાં ખડખડાટ સંભળાયો. ફાનસ લઈને આવતા