આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


માઈલ પણ આગળ નહીં પહોંચ્યા હોય, ત્યાં તેમની ભેળો કર્યો. હવે તો લોકોએ એમ જ માન્યું ને મેં પણ માન્યું કે કદાચ ટૉલ્સટૉય ફાર્મ ભેળા થશું જ; પણ એ ધારણા બરાબર ન હતી. લોકો મારા પકડાવાથી ટેવાઈ ગયા એ પરિણામ જેવુંતેવું ન હતું. મારા સાથીઓ તો જેલમાં જ રહ્યા.


૨૧. બધા કેદમાં

અમે હવે જેહાનિસબર્ગની ઠીક નજીક આવ્યા છીએ. વાંચનાર યાદ રાખે કે એ આખો પંથ સાત દિવસનો મુકરર કર્યો હતો. અમે હજુ લગી ધારેલી મજલ પૂરી કરતા આવ્યા હતા, એટલે હવે પૂરી ચાર મજલ બાકી રહેતી હતી, પણ જેમ અમારો ઉત્સાહ વધે તેમ સરકારની જાગૃતિ પણ વધવી જોઈએ. અમને મજલ પૂરી કરવા દે અને પછી પકડે તેમાં નબળાઈ અને ઓછી આવડત ગણાય. તેથી જે પકડવા તો મજલ પૂરી થયા પહેલાં જ પકડવા જોઈએ.

સરકારે જોયું કે, મારા પકડાવા છતાં કાફલો ન નિરાશ થયો, ન બીન્યો, ન તેણે તોફાન કર્યું, તોફાન કરે તો સરકારને દારૂગોળો વાપરવાની પૂરી તક મળે. જનરલ સ્મટ્સને તો અમારી દૃઢતા અને તેની સાથે શાંતિ એ જ દુ:ખની વાત થઈ પડેલી. એમ તેમણે કહેલું પણ ખરું, શાંત માણસની પજવણી ક્યાં સુધી કરાય ? મૂએલાને મારવાનું કેમ બને ? મરણિયાને મારવામાં રસ હોય જ નહીં. તેથી જ શત્રુને જીવતો પકડવામાં મોટાઈ મનાય છે. જે ઉંદર બિલાડીથી ભાગે નહીં તો બિલાડીએ બીજો શિકાર શોધવો જ જોઈએ. બધાં ઘેટાં સિંહની સોડમાં બેસી જાય તો સિંહને ઘેટાં ખાવાનું છોડવું જ પડે. સિંહ સામો ન થતો હોય તો પુરુષસિંહો સિંહનો શિકાર કરે કે ?

અમારી શાંતિ અને અમારા નિશ્ચયમાં અમારી જીત છુપાયેલી જ હતી.