આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મિ. પોલાકને જોયા. આમ અમે ત્રણ જણ વૉક્સરસ્ટની જેલમાં મળ્યા તેથી અમારા હર્ષનો પાર ન રહ્યો.

મારી ઉપર કામ ચાલ્યું તેમાં મારી સામે સાક્ષી મારે જ આપવાના હતા. પોલીસ મેળવી શકત પણ મુશ્કેલીથી તેથી મારી મદદ તેઓએ લીધી. અહીંની અદાલતો કેવળ કેદીના ગુનેગાર હોવાનું કબૂલ કરવા ઉપર તેને સજા નહોતી કરતી.

મારું તો ઠીક, પણ મિ. કૅલનબૅક અને મિ. પોલાકની સામે પુરાવો કોણ આપે ? જો તેઓની સામે પુરાવો ન મળે તો તેઓને સજા કરવી અશકય હતી. તેઓની સામે ઝટ પુરાવો મળવો મુશ્કેલ હતો. મિ. કૅલનબૅકને તો પોતાનો ગુનો કબૂલ કરવો હતો, કેમ કે તેમનો ઇરાદો કાફલા સાથે રહેવાનો હતો. પણ મિ. પોલાકનો ઇરાદો તો હિંદુસ્તાન જવાનો હતો. તેમને આ વખતે ઇરાદાપૂર્વક જેલ જવાનું ન હતું. તેથી અમે ત્રણે મળી એવો ઠરાવ કર્યો કે, મિ. પોલાકે ગુનો કર્યો છે કે નહીં, તેના જવાબમાં 'હા' કે 'ના' કંઈ જ ન કહેવું.

આ બંનેની સામેનો સાક્ષી હું થયો. અમારે કેસ લંબાવવો ન હતો તેથી ત્રણેના કેસ એક જ દિવસમાં પૂરા કરવામાં અમે સંપૂર્ણ મદદ કરી ને કેસ પૂરા થયા. અમને ત્રણેને ત્રણ ત્રણ માસની જેલ મળી. અમને હવે લાગ્યું કે અમે આ ત્રણ માસ તો સાથે રહી શકીશું. પણ સરકારને એ પોસાય તેમ ન હતું.

દરમિયાન થોડા દિવસ તો અમે વૉક્સરસ્ટની જેલમાં સુખે રહ્યા. અહીં હંમેશાં નવા કેદીઓ આવે તેથી બહારની ખબર મળતી. અા સત્યાગ્રહી કેદીઓમાં એક હરબતસિંગ કરીને બુઠ્ઠો હતો. તેની ઉંમર ૭૫ વર્ષથી ઉપરની હતી. તે કંઈ ખાણોમાં નોકરી નહોતો કરતો. તેણે તો ગિરમીટ વર્ષો પૂર્વ પૂરી કરી હતી, એટલે તે હડતાળમાં ન હતો. મારા પકડાયા પછી લોકોમાં ઉત્સાહ બહુ જ વધ્યો હતો ને લોકો નાતાલમાંથી ટ્રાન્સવાલમાં દાખલ થઈ પકડાતા હતા. હરબતસિંગે પણ આવવાનું ધાર્યું હરબતસિંગને મેં પૂછયું : 'અાપ કયોં જેલમેં આયે ? આપ જૈસે બુઢ્ઢોં કો મૈને જેલમેં આને કા નિમંત્રણ નહીં દિયા હૈ.'