આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હરબતસિંગે જવાબ આપ્યો : 'મેં કૈસે રહ સકતા થા, જબ આપ, આપકી ધર્મપત્ની ઔર આપકે લડકે ભી હમ લોગોં કે લિયે જેલ ચલે ગયે ?'

'લેકિન આપસે જેલકે દુ:ખકી બરદાશત નહીં હો સકેગી. આપ જેલસે હટેં. આપકે છૂટનેકી તજવીજ મેં કરું?'

'મેં હરગિજ જેલ નહીં છોડુંગા. મુઝે એક દિન તો મરના હૈ, એસા દિન કહાંસે મેરા મોત યહાં હો જાય.'

આ દૃઢતાને હું શાને ચળાવું? ચળાવતાંયે તે ચળે એમ ન હતું. મારું માથું આ નિરક્ષર જ્ઞાનીની આગળ નમ્યું, જેવી હરબતસિંગની ભાવના હતી તેમ જ થયું. હરબતસિંગનું મૃત્યુ જેલમાં જ થયું. એનું શબ વૉક્સરસ્ટથી ડરબન મંગાવવામાં આવ્યું હતું અને હરબતસિંગને સેંકડો હિંદીઓની હાજરીમાં માનપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. અાવા હરબતસિંગ આ લડાઈમાં એક ન હતા. અનેક હતા. પણ જેલમાં મરણનું સદ્ભાગ્ય કેવળ હરબતસિંગને જ મળ્યું; તેથી તે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસને પાને ચડે છે.

આમ જેલમાં આકર્ષાઈને માણસો આવે એ સરકારને ન ગમે. વળી જેલમાંથી છૂટનારા મારા સંદેશા લઈ જાય એ પણ તેને ન પોસાય. એટલે અમને ત્રણને નોખા પાડવા, એકેને વૉકસરસ્ટમાં ન રહેવા દેવા ને મને એવી જેલમાં લઈ જવો કે જ્યાં કોઈ હિંદી જઈ જ ન શકે. તેથી મને ઑરેંજિયાની રાજધાની બલૂમફૉન્ટીનની જેલમાં મોકલ્યો. ઓરેંજિયામાં મૂળે પચાસ હિંદીથી વધારેની વસ્તી નહીં હોય. તે બધા હોટલોમાં નોકરી કરનારા હોય. આવા પ્રદેશની જેલમાં હિંદી કેદી હોય જ નહીં. આ જેલમાં હું એક જ હિંદી હતો. બાકી બધા ગોરા અથવા હબસીઓ હતા. મને આથી દુ:ખ નહોતું. મેં સુખ માન્યું. મારે કાંઈ ન સાંભળવાનું કે જોવાનું રહ્યું. મને નવો અનુભવ મળે એ પણ મનગમતી વાત હતી. વળી મને અભ્યાસ કરવાનો સમય તો વર્ષો થયાં – કહો ૧૮૯૩ની સાલ પછી – હતો જ નહીં. હવે મને એક વર્ષ મળશે એમ જાણી હું તો રાજી થયો.