આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્લૂમફૉન્ટીન પહોંચાડયો. એકાંત તો પાર નહીં એટલી મળી. અગવડો પણ પુષ્કળ હતી, છતાં તે બધી સહ્ય હતી. તેનું વર્ણન વાંચવામાં વાંચનારને ન રોકી શકાય. પણ આટલું કહી દેવું આવશ્યક છે કે ત્યાંના દાકતર મારા મિત્ર થઈ પડ્યા. જેલર તો કેવળ પોતાના હકને જ સમજતો હતો, અને દાક્તર કેદીઓના હકનું જતન કરતો હતો. આ મારો કાળ કેવળ ફળાહારનો હતો. હું નહોતો દૂધ લેતો કે ધી; અનાજ પણ નહીં, મારો ખોરાક કેળાં, ટમેટાં, કાચી ભોંયસિંગ, લીંબુ ને જેતૂનનું તેલ હતું. આમાં એક પણ વસ્તુ સડેલી આવે તો ભૂખે જ મરવું પડે, તેથી દાકતર ખાસ ચીવટ રાખતા ને તેમણે મારા ખોરાકમાં બદામ, અખરોટ, બ્રાઝિલનટ ઉમેર્યા. પોતે જાતે જ બધું ફળ તપાસે. મને જે કોટડી આપવામાં આવી હતી તેમાં હવાની ઘણી જ તંગી હતી. દાક્તરે દરવાજો ખુલ્લો મુકાવવાની ખૂબ તજવીજ કરી પણ તેનું ચાલ્યું નહીં. જો દરવાજો ખુલ્લો રહે તો જેલરે રાજીનામું આપવાની ધમકી આપી. જેલર ખરાબ ન હતો પણ તેનો સ્વભાવ એક જ ઢાળમાં પડ્યો હતો તે કેમ બદલાય ? તેને કામ રહ્યું તોફાની કેદીઓની સાથે; તેમાં મારા જેવા ભલા કેદીનો ભેદ પાડતાં બીજા તેને માથે ચડી બેસવાનો તેને સાચો ભય હતો. હું જેલરનું દૃષ્ટિબિંદુ બરાબર સમજી શકતો ને તેથી દાક્તર અને જેલર વચ્ચેના મારે નિમિત્તે થતા ઝઘડામાં મારી લાગણી જેલર તરફ રહેતી. જેલર અનુભવી માણસ હતો, એક પંથી હતો, તેનો રસ્તો તે સાફ જોઈ શકતો.

મિ. કૅલનબૅકને પ્રિટોરિયાની જેલમાં મોકલ્યા ને મિ. પોલાકને જરમિસ્ટનની જેલમાં.

પણ સરકારની બધી ગોઠવણો નકામી હતી. આભ તૂટે ત્યારે થીંગડું શા કામનું ? નાતાલના ગિરમીટિયા હિંદીઓ સંપૂર્ણતાએ જાગી ઊઠયા હતા. તેમને કોઈ પણ સત્તા રોકી શકે તેમ ન હતું.