આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહે તે દરમિયાન ને નવા કાયદા થાય તે દરમિયાન સરકારની સ્થિતિ કફોડી ન કરવા ખાતર સત્યાગ્રહ પણ મુલતવી રાખવાની હું સલાહ આપી શકીશ. અને સર બેન્જામિન રૉબર્ટસન જેને વાઈસરૉયે મોકલ્યા છે તેમને મદદ કરવાની સલાહ પણ મારા દેશભાઈઓને હું આપીશ. અમારી ઉપર જેલમાં ને હડતાળ દરમિયાન જે દુ:ખો પડ્યાં તે બાબત મારે કહેવું જોઈએ કે, એ દુ:ખો અમારી પ્રતિજ્ઞાને લીધે અમે પુરવાર પણ નહીં કરી શકીએ. સત્યાગ્રહી તરીકે અમારાથી બની શકે ત્યાં લગી અમે પોતીકાં દુ:ખોની ફરિયાદ ન કરીએ ને તેનો બદલો ન માગીએ. પણ આ વખતના અમારા મૌનનો અર્થ ન થવો જોઈએ કે અમારી પાસે સાબિત કરવાની કંઈ સામગ્રી નથી. અમારી સ્થિતિ પણ આપ સમજી શકો એમ ઈચ્છું છું. વળી જ્યારે અમે સત્યાગ્રહ મુલતવી રાખીએ ત્યારે જેઓ હાલ લડતને અંગે કેદમાં છે તે છૂટવા જોઈએ. અમારી માગણીઓ શી છે તે પણ અહીં જણાવવાની જરૂર જેઉં છું. ૧. ત્રણ પાઉંડનો કર રદ થાય. ર . વિવાહ હિંદુ મુસલમાન ઈત્યાદિ ક્રિયા પ્રમાણે થયેલા હોય તે કાયદેસર ગણાય. ૩. ભણેલા હિંદીઓ આ દેશમાં દાખલ થઈ શકે. ૪. અૉરંજિયાને વિશે જે કરાર થયા છે તેમાં સુધારો થાય. પ. ચાલુ કાયદાઓનો અમલ એવો થાય કે જેથી ચાલતા હકોને નુકસાન ન પહોંચે એવી ખાતરી આપવી.' જો આ બાબતો વિશે સંતોષકારક જવાબ મળે તો સત્યાગ્રહ મુલતવી રાખવાની કોમને મારે સલાહ આપવી.'

આ કાગળ ૧૯૧૪ના જાન્યુઆરીની ૨૧મીએ મેં લખ્યો. તે જ દિવસે જે જવાબ મળ્યો તેની મતલબ આ હતી :

'તમે કમિશનમાં જુબાની નહીં આપી શકો તેથી સરકાર દિલગીર છે, પણ તે તમારી સ્થિતિ સમજી શકે છે. તમે હાડમારીઓની વાત પડતી મૂકવાનો ઇરાદો જણાવો છો તેનો હેતુ પણ સરકાર સમજે છે એવી હાડમારીઓનો સરકાર તો ઇનકાર જ કરે છે. પણ જયારે તમે તેનો પુરાવો રજૂ નહીં કરો તો સરકારને કંઈ