આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપસંહાર

આમ આઠ વર્ષને અંતે આ સત્યાગ્રહની મહાન લડત પૂરી થઈ અને આખા દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓને નિરાંત વળી એમ મનાયું. દિલગીરી તેમ જ હર્ષની સાથે હું વિલાયતમાં ગોખલેને મળીને ત્યાંથી હિંદુસ્તાન જવાને સારુ દક્ષિણ આફ્રિકાથી નીકળી પડયો. જે દક્ષિણ આફ્રિકામાં એકવીસ વર્ષ મેં નિવાસ કર્યો અને અસંખ્ય કડવા અને મીઠા અનુભવો લીધા અને જ્યાં મારા પોતાના જીવનનું નિશાન જોઈ શકયો, તે દેશને છોડવાનું મને બહુ દોહ્યલું લાગ્યું અને દિલગીર થયો. મને હર્ષ એ વિચારે થયો કે મને ઘણે વર્ષે હિંદુસ્તાન જઈને ગોખલેની નીચે સેવા કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થશે.

આ લડતનો આવો સુંદર અંત આવ્યો તેની સાથે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની આજની સ્થિતિની સરખામણી કરતાં ક્ષણભર એમ લાગે કે આટલું બધું દુ:ખ વેઠયું તે શાને સારુ ? અથવા સત્યાગ્રહના શસ્ત્રની ઉત્તમતા કયાં આવી ? આનો જવાબ આ સ્થળે વિચારી જવો જોઈએ. સૃષ્ટિનો એવો એક નિયમ છે કે જે વસ્તુ જે સાધનથી મળે તે વસ્તુ તે જ સાધન વડે સાચવી શકાય. એટલે દંડથી મળેલી વસ્તુ દંડ જ સાચવે; સત્યથી મળેલી વસ્તુનો સંગ્રહ સત્ય વડે જ થઈ શકે. એટલે દક્ષિણ આફ્રિકાના હિંદી આજે જ સત્યાગ્રહના શસ્ત્રનો ઉપયોગ કરી શકે તો પોતે સુરક્ષિત બની શકે છે. સત્યાગ્રહમાં એવી વિશેષતા તો નથી જ કે સત્યથી મળેલી વસ્તુ સત્યનો ત્યાગ થતાં પણ સાચવી શકાય.. એવું પરિણામ આવી શકતું હોય તો તે ઈષ્ટ પણ ન ગણાય. તેથી જો દક્ષિણ આફ્રિકાના હિંદીની સ્થિતિ અત્યારે નબળી પડી ગઈ છે તો આપણે સમજી લેવું જોઈએ કે તેનું કારણ સત્યાગ્રહીઓનો અભાવ છે. આ કથન આજના હિંદવાસીઓના દોષનું સૂચક નથી, પણ ત્યાંની વસ્તુસ્થિતિ બતાવે છે. વ્યક્તિ અથવા સમુદાય પોતાનામાં નહીં હોય તે કયાંથી લાવશે ? સત્યાગ્રહી સેવકો એક પછી એક ચાલી ગયા. સોરાબજી, કાછલિયા, નાયડુ, પારસી રુસ્તમજી ઈત્યાદિના સ્વર્ગવાસથી અનુભવીઓમાંથી થોડા જ