આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪. મુસીબતોનું સિંહાવલોકન
(નાતાલ)

નાતાલના ગોરા માલિકોને કેવળ ગુલામ જોઈતા હતા. જેઓ નોકરી કર્યા બાદ સ્વતંત્ર થઈ શકે અને સહજ અંશે પણ તેમની જોડે હરીફાઈ કરી શકે એવા મજૂરો તેઓને પરવડે એમ ન હતું. આ ગિરમીટિયા જોકે હિંદુસ્તાનમાં પોતાની ખેતી વગેરેમાં બહુ સફળ થયા ન હતા તેથી નાતાલ ગયેલા, છતાં ખેતીનું કંઈ ભાન તેમને ન હોય અથવા તો જમીન કે ખેતીની કિંમત ન સમજી શકે એવા ન હતા. તેઓએ જોયું કે નાતાલમાં જે પોતે ભાજીપાલો પણ વાવે તો સારી નીપજ કરી શકે છે, અને જે એક નાનકડો સરખો જમીનનો ટુકડો પણ લે તો તેમાંથી વળી વધારે કમાણી કરી શકે છે. તેથી ઘણા ગિરમીટિયા જયારે છૂટા થાય ત્યારે કંઈક ને કંઈક નાનોસરખો ધંધો કરવા મંડી ગયા. અાથી એકંદરે તો નાતાલ જેવા મુલકમાં વસ્તીને ફાયદો થયો.. અનેક પ્રકારનો ભાજીપાલો જે યોગ્ય ખેડૂતોની ખામીને લીધે પેદા નહોતો થતો તે થવા લાગ્યો. જે કોઈ જગ્યાએ છૂટોછવાયો પેદા થતો હતો તે હવે મોટે ભાગે મળવા લાગ્યો. આથી ભાજીપાલાના ભાવ એકદમ ઊતર્યા. પણ આ વાત ધનિક ગોરાઓને ન ગમી. તેઓને લાગ્યું કે આજ લગી જેનો પોતાને ઈજારો છે એમ માનતા હતા તેમાં હવે ભાગીદાર પેદા થયા. તેથી આ ગરીબડા ગિરમીટિયાઓની સામે હિલચાલ શરૂ થઈ. વાંચનારને નવાઈ લાગશે કે એક તરફથી તેઓ વધારે ને વધારે મજૂર માગતા હતા, હિંદુસ્તાનથી જેટલા ગિરમીટિયા આવતા હતા તેનો તુરત જ “ઉપાડ” થઈ જતો હતો, અને બીજી તરફથી જેઓ ગિરમીટમુક્ત થતા હતા તેઓની ઉપર અનેક જાતનાં દબાણ મૂકવાની હિલચાલ થતી હતી. અા તેઓની હોશિયારીનો અને તનતોડ મહેનતનો બદલો !

હિલચાલે ઘણાં રૂપ પકડ્યાં. એક પક્ષે એવી માગણી કરી કે ગિરમીટમાંથી છૂટા થતા ગિરમીટિયાઓને પાછા હિંદુસ્તાન મોકલી દેવા જોઈએ, અને તેથી જૂના કરારોને બદલીને નવા કરારમાં નવા