આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવાબદારી ભોગવનારી સત્તાઓ ઉપર વડી સરકારનો કાબૂ ઘણો ઓછો છે. સ્વતંત્ર રાજયની સાથે વડી સરકાર લડાઈની ધમકી આપી શકે – લડાઈ પણ કરી શકે, પણ સંસ્થાનોની સાથે તો કેવળ મસલત જ થઈ શકે. એમની સાથેનો સંબંધ રેશમી દોરીથી ગંઠાયેલો છે, જરા તાણવા જતાં તૂટી જાય.. બળથી તો કામ લેવાય જ નહીં; કળ જેટલું કરી શકે એ બધું હું કરીશ એની તમને ખાતરી આપું છું. જ્યારે ટ્રાન્સવાલની સાથે લડાઈ થઈ ત્યારે લડાઈ કરવાનાં કારણોમાંનું એક ત્યાંના હિંદીઓની દુઃખદ સ્થિતિ પણ હતું, એવું લૉર્ડ લેન્સડાઉન, લૉર્ડ સેલબૉર્ન વગેરે બ્રિટિશ અમલદારો બોલ્યા હતા .

હવે આપણે એ દુઃખનું પ્રકરણ તપાસીએ. ટ્રાન્સવાલમાં હિંદીઓ પ્રથમ સન ૧૮૮૧માં દાખલ થયા. મરહૂમ શેઠ અબુબકરે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં દુકાન ખોલી અને તેના મુખ્ય મહોલ્લામાં જમીન પણ ખરીદી. બીજા વેપારીઓ ત્યાં એક પછી એક પહોંચ્યા. તેમનો વેપાર ઘણા ઝપાટાથી ચાલ્યો એટલે ગોરા વેપારીઓને અદેખાઈ અાવી. અખબારોની અંદર હિંદીઓની સામે લખાણ શરૂ થયાં. ધારાસભામાં હિંદીઓને કાઢી મૂકવાની ને તેમનો વેપાર બંધ કરવાની સૂચનાઓવાળી અરજી ગઈ. આ ગોરાઓને સારુ કેવળ નવા મુલકમાં ધનતૃષ્ણાનો પાર નહીં. તેઓ નીતિઅનીતિનો ભેદ ભાગ્યે જ જાણે. ધારાસભાને કરેલી તેઓની અરજીની અંદર આવાં વાક્યો આવે છે : "આ લોકો (હિંદી વેપારી) માનુષી સભ્યતા જાણતા જ નથી. તેઓ બદચાલથી થતાં દરદોથી સડે છે. દરેક ઓરતને તેઓ પોતાનો શિકાર ગણે છે; ઓરતોને આત્મારહિત સમજે છે." આ ચાર વાકયોની અંદર ચાર જૂઠાણાં ભર્યા છે. એવા નમૂના તો બીજા ઘણાયે અાપી શકાય. જેવી પ્રજા તેવા જ પ્રતિનિધિ. અાપણા વેપારીઓને તે શી ખબર હોય કે તેઓની સામે કેવી બેહુદી અને અન્યાયી હિલચાલ ચાલી રહી છે ? તેઓ છાપાં વાંચે નહીં. અખબારમાંની હિલચાલ અને અરજીઓમાંની હિલચાલની અસર ધારાસભા ઉપર થઈ અને ધારાસભામાં એક બિલ રજૂ થયું તેની ખબર અગ્રેસર હિંદીઓને કાને પડી એટલે તેઓ ચોંકયા. તેઓ પ્રેસિડન્ટ ફૂગરની