આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ વિશેષણ વાપરવામાં દૂષણ છે એમ કેટલાક ગોરા માને કે સમજે પણ નહીં, અને ઘણા તો તિરસ્કાર બતાવવાની ખાતર જ કુલી શબ્દનો ઉપયોગ કરે. તેથી સ્વતંત્ર હિંદી પોતાને ગિરમીટિયાથી અલગ ઓળખાવવાનો પ્રયત્ન કરે. આવાં અને હિંદુસ્તાનમાંથી જ અાપણી સાથે લઈ જઈએ છીએ એવાં કારણોથી સ્વતંત્ર હિંદી વર્ગ અને આ ગિરમીટિયા અને ગિરમીટમુક્ત વર્ગ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં ભેદ થઈ રહ્યો હતો.

આ દુ:ખદરિયાની સામે આડા હાથ દેવાનું કામ સ્વતંત્ર હિંદી વર્ગ અને મુખ્યત્વે મુસલમાન વેપારીઓએ હાથ ધર્યું, પણ ગિરમીટિયા અથવા ગિરમીટમુક્તને ઈરાદાપૂર્વક હાથમાં લેવાનો પ્રયાસ ન કર્યો, કરવાનું તે વખતે સૂઝે પણ નહીં; સૂઝે તો તેમને ભેળવવાથી કામ બગાડવાનો પણ ભય રહે, અને મુખ્ય આપત્તિ તો સ્વતંત્ર વેપારીવર્ગ ઉપર જ છે એમ મનાયેલું, તેથી સુરક્ષણના પ્રયત્ને આવું સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. આવી મુસીબતો છતાં, અંગ્રેજી ભાષાના જ્ઞાનનો અભાવ છતાં, જાહેર કામોનો હિંદુસ્તાનમાં અનુભવ ન હોવા છતાં, આ સ્વતંત્ર વર્ગ સરસ રીતે દુ:ખની સામે ઝૂઝ્યો એમ કહી શકાય. તેઓએ ગોરા વકીલોની મદદ લીધી, અરજીઓ ઘડાવી, કોઈ કોઈ વખતે ડેપ્યુટેશન લઈ ગયા અને જ્યાં જ્યાં બની શકે અને સૂઝે ત્યાં ત્યાં આડા હાથ ધર્યા. આ સ્થિતિ ૧૮૯૩ સુધીની.

વાંચનારે કેટલીક મુખ્ય તારીખો આ પુસ્તક સમજવાને સારુ યાદ રાખવી પડશે. પુસ્તકને છેડે તારીખવાર મુખ્ય બીનાઓનું પરિશિષ્ટ આપ્યું છે એ વખતોવખત જોઈ જશે તો લડતનું રહસ્ય ને રૂપ સમજવામાં મદદ મળશે. સન ૧૮૯૩ની સાલ સુધીમાં ફ્રી સ્ટેટમાંથી આપણી હસ્તી નાબૂદ થઈ ચૂકી હતી. ટ્રાન્સવાલમાં ૧૮૮પનો કાયદો અમલમાં હતો અને નાતાલની અંદર કેવળ ગિરમીટિયા હિંદી જ રહી શકે અને બીજાનો પગ કેમ કાઢી શકાય તેના વિચાર ચાલતા હતા, અને તે અર્થે જવાબદાર રાજસત્તા લેવાઈ ચૂકી હતી. ૧૮૯૩ના એપ્રિલ માસમાં દક્ષિણ આફ્રિકા જવા સારુ મેં હિંદુસ્તાન છોડયું. મને ત્યાંના ઈતિહાસનું કંઈ ભાન ન હતું. હું કેવળ સ્વાર્થબુદ્ધિથી ગયેલો. પોરબંદરના મેમણોની દાદા અબ્દુલ્લા નામની એક પ્રખ્યાત