આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાતાલમાં ઊતર્યા પછી પંદર દિવસની અંદર જ કોરટોમાં થયેલો મારો કડવો અનુભવ, ટ્રેનની અંદર પડતી મુશ્કેલીઓ, રસ્તામાં ખાધેલા માર, હોટેલોમાં રહેવાની મુસીબત – લગભગ અશકયતા– વગેરેના વર્ણનમાં હું નહીં ઊતરું, પણ એટલું જ કહીશ કે આ બધા અનુભવો મારા હાડમાં પેસી ગયા. હું તો માત્ર એક જ કેસને અર્થે ગયેલો, સ્વાર્થ અને કુતૂહલની દૃષ્ટિથી. એટલે એ વર્ષ દરમિયાન તો હું કેવળ આવાં દુઃખોનો સાક્ષી અને અનુભવનાર રહ્યો. મારા ધર્મનો અમલ ત્યાંથી જ શરૂ થયો. મેં જોયું કે સ્વાર્થદૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા મારે સારુ નકામો મુલક હતો. જ્યાં અપમાન થાય ત્યાં પૈસા કમાવાનો કે મુસાફરી કરવાનો મને જરાયે લોભ ન હતો, એટલું જ નહીં પણ અત્યંત અણગમો હતો. મારી સામે ધર્મસંકટ આવ્યું. એક તરફથી હું નહોતો જાણી શકતો એવી સ્થિતિ જાણવાથી શેઠ દાદા અબ્દુલ્લા સાથે કરેલા કરારમાંથી મુક્તિ મેળવી નાસી છૂટવું અને બીજી તરફથી ગમે તે સંકટો સહન કરીને પણ લીધેલું કામ પાર પાડવું. કડકડતી ટાઢમાં મૅરિત્સબર્ગ સ્ટેશન પર રેલવે પોલીસના ધકકા ખાઈ મુસાફરી અટકાવી રેલવેમાંથી ઊતરી વેઈટિંગ રૂમમાં બેઠો હતો. મારો સામાન ક્યાં છે એની મને ખબર ન હતી. કોઈને પૂછવાની હિંમત ન હતી. રખેને વળી અપમાન થશે તો ? માર ખાવો પડશે તો ? આવી સ્થિતિમાં ટાઢથી ધ્રૂજતાં ઊંઘ તો શાની જ આવે ! મન ચગડોળે ચડયું મોડી રાત્રે નિશ્ચય કર્યો કે "નાસી છૂટવું એ નામર્દાઈ છે, લીધેલું કામ પાર પાડવું જોઈએ. જાતીય અપમાન સહન કરી, માર ખાવા પડે તો ખાઈને પ્રિટોરિયા પહોંચવું જ." પ્રિટોરિયા એ મારે મારું કેન્દ્રસ્થાન હતું, કેસ ત્યાં લડાતો હતો. મારું કામ કરતાં કંઈ ઈલાજો મારાથી લઈ શકાય તો લેવા. આ નિશ્ચય કર્યા પછી કંઈક શાંતિ થઈ, કંઈક જોર પણ આવ્યું, પણ હું સૂઈ તો ન જ શક્યો.

સવાર પડી કે તુરત દાદા અબ્દુલ્લાની પેઢી પર તેમ જ રેલવેના જનરલ મેનેજર પર તાર કર્યા. બંને ઠેકાણેથી જવાબ ફરી વળ્યા. દાદા અબ્દુલ્લાએ તથા તેમના તે વખતે નાતાલમાં રહેતા ભાગીદાર શેઠ અબ્દુલ્લા હાજી આદમ ઝવેરીએ ચાંપતા ઉપાયો લીધેલા. મારી