આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓએ પણ માન્યું પણ એવી લડત લડવાની પોતાની અશક્તિ જાહેર કરી, અને મને રહી જવાનો આગ્રહ કર્યો. એ લડત લડી લેવા પૂરતું એટલે મહિનોમાસ રહેવાનું મેં કબૂલ કર્યું. તે જ રાત્રે ધારાસભામાં મોકલવાની અરજી ઘડી. બિલની વધારે વંચામણી મુલતવી રાખવા તાર કર્યો. તરત એક કમિટી નિમાઈ. કમિટીના પ્રમુખ શેઠ અબ્દુલ્લા હાજી આદમ થયા. તેમને નામે તાર કર્યો. બિલ બે દિવસને સારુ મુલતવી રહ્યું, અને દક્ષિણ આફ્રિકાની ધારાસભાઓમાંની આ નાતાલની ધારાસભામાં હિંદીઓની પહેલી અરજી ગઈ. અસર તો ઠીક થઈ. પણ બિલ પાસ થયું તેનું છેવટે શું આવ્યું એ તો પ્રકરણ ચોથામાં હું કહી ગયો છું. આ પ્રમાણે લડવાનો ત્યાં પહેલો અનુભવ હતો, તેથી હિંદીઓમાં ઉત્સાહ ખૂબ જામ્યો. હમેશાં સભાઓ થાય, માણસો વધારે ને વધારે આવતાં જાય. આ કામને સારુ જોઈતા હતા તે કરતાં વધારે પૈસા એકઠા થયા. નકલો કરવા, સહીઓ લેવા વગેરેના કામમાં મદદ કરવાને સારુ ઘણા સ્વયંસેવકો વગર પૈસે અને પોતાને પૈસે પણ કામ કરનારા મળ્યા. તેમાં ગિરમીટમુક્ત હિંદીઓની પ્રજા પણ ઉત્સાહપૂર્વક ભળી. આ બધા અંગ્રેજી જાણનારા અને સુંદર અક્ષર લખનારા જુવાનિયા હતા. તેઓએ નકલો કરવા વગેરેનું કામ રાતદહાડો ન ગણકારીને ઘણી હોંશથી કર્યું. મહિનાની અંદર તો લૉર્ડ રિપન પર ૧૦,૦૦૦ સહીની અરજી રવાના થઈ. અને મારું તાત્કાલિક કામ પૂરું થયું.

મેં વિદાયગીરી માગી. પણ પ્રજાને રસ એટલો બધો આવેલો કે હવે તો મને જવા જ ન દે. તેઓએ કહ્યું: "તમે જ સમજાવો છો કે આપણને જડમૂળથી કાઢવાનું આ પહેલું પગલું છે. વિલાયતથી શું જવાબ આવશે એ તો કોણ જાણે ? અમારો ઉત્સાહ તમે જોયો. અમે કામ કરવા તૈયાર છીએ, – ઈચ્છીએ પણ છીએ. અમારી પાસે પૈસો પણ છે. પણ દોરનાર નહીં હોય તો આટલું કરેલું પણ નકામું થશે. તેથી રહેવાનો તમારો ધર્મ છે એમ અમે માનીએ છીએ." મને પણ લાગ્યું કે કંઈક સ્થાયી સંસ્થા થાય તો સારું. પણ રહેવું કયાં ને કઈ રીતે ? તેઓએ મને પગાર આપવાનું સૂચવેલું પણ મેં પગાર લેવાની સાફ ના પાડી. જાહેર કામ મોટા પગાર