આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણો રસ લીધો. દરમ્યાન નાતાલનું બિલ લૉર્ડ રિપને નામંજૂર કર્યાની ખબર આવી એટલે લોકોનો હર્ષ અને વિશ્વાસ બંને વધ્યા. જેમ બાહ્ય કામ થતું હતું તેમ કોમની અંદર કામ કરવાની હિલચાલ પણ થતી હતી. આપણી રહેણી વિશે આખા દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ ખૂબ હિલચાલ કરતા હતા. હિંદીઓ બહુ ગંદા છે, કંજૂસ છે, જે મકાનમાં વેપાર કરે તેમાં જ રહે, ઘર ઘોલકાં જેવાં, પોતાની સુખાકારીને સારુ પણ પૈસા વાપરે નહીં - આવા કંજૂસ મેલા માણસોની સાથે વેપારમાં ચોખ્ખા. ઘણી હાજતવાળા અને ઉદાર ગોરા કેમ હરીફાઈ કરી શકે ! એ તેઓની હમેશની દલીલ હતી. તેથી ઘરની ચોખ્ખાઈ વિશે, ઘર અને દુકાન નોખી રાખવા વિશે, કપડાં સાફ રાખવા વિશે, મોટી કમાણી કરનારા વેપારીને છાજે એ પ્રમાણે રહેણી રાખવા વિશે વિવેચનો, વિવાદો અને સૂચનાઓ પણ કોંગ્રેસની સભામાં થાય, કામ બધું માતૃભાષામાં જ ચાલે.

વાંચનાર વિચારી શકશે તે અામાં લોકોને સહેજે કેટલી બધી વ્યવહારુ કેળવણી અને કેટલો બધો રાજપ્રકરણી અનુભવ મળતો હતો. કોંગ્રેસને જ અંગે ગિરમીટમુક્ત હિંદીઓની પ્રજા એટલે અંગ્રેજી બોલનારા નાતાલમાં જ જન્મેલા હિંદી નવજુવાનોની સગવડને સારુ એ કેળવણી મંડળ પણ ખોલ્યું. તેમાં નજીવી ફી રાખવામાં આવી. મુખ્ય ઉદ્દેશ આ નવજુવાનોને એકઠા કરવાનો, તેઓનામાં હિંદુસ્તાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવવાનો અને હિંદુસ્તાનનું સામાન્ય જ્ઞાન આપવાનો હતો. ઉપરાંત સ્વતંત્ર હિંદી વેપારી તેઓને પોતાના જ ગણે છે એવું બતાવવાનો અને વેપારીઓમાં પણ તેઓને વિશે આદર ઉત્પન્ન કરવાનો હેતુ પણ હતો. કોંગ્રેસની પાસે પોતાનું ખર્ચ ચલાવતા છતાં એક મોટી થાપણ જમા થઈ હતી. તેની જમીન લેવાઈ અને આ જમીનની આવક અાજ લગી મળ્યા જ કરે છે.

આટલી વિગતમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. સત્યાગ્રહ કેમ કુદરતી રીતે ઉત્પન્ન થયો અને કેવી રીતે કોમ તૈયાર થઈ એ વસ્તુ ઉપલી વિગતો જાણ્યા વિના વાંચનાર પૂરી રીતે ન સમજી શકે, કોંગ્રેસની ઉપર આપત્તિઓ આવી, સરકારી અમલદારો તરફથી હુમલા થયા, તેમાંથી કેમ બચી ગયા, એ અને એવો બીજો જાણવાલાયક ઈતિહાસ