આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એકમતે એવો ઠરાવ પસાર થયો કે બંને સ્ટીમરના ઉતારુઓને અને મને ઊતરવા ન દેવો. જો નાતાલની સરકાર તેઓને ન રોકે અથવા ન રોકી શકે તો અા તત્કાળે થયેલી કમિટીએ કાયદો પોતાના હાથમાં જ લેવો અને પોતાના જ બળથી હિંદીઓને ઊતરતા અટકાવવા ! બંને સ્ટીમર એક જ દહાડે નાતાલ બંદર–ડરબન –પહોંચી.

વાંચનારને યાદ હશે કે ૧૮૯૬માં હિંદુસ્તાનમાં મરકીએ પહેલવહેલો દેખાવ આપ્યો. નાતાલની સરકારની પાસે અમને કાયદેસર પાછા વાળવાનું સાધન તો ન જ હતું. તે વખતે પ્રવેશપ્રબંધક કાયદો હસ્તીમાં નહોતો આવ્યો. નાતાલની સરકારની લાગણી તો બધી પેલી કમિટીની તરફ જ હતી. એક સરકારી પ્રધાન મરહૂમ મિ. એસ્કંબ એ કમિટીના કામમાં પૂરો ભાગ લેતા હતા. કમિટીને ઉશ્કેરતા પણ તે જ હતા. બધાં બંદરોમાં એવો નિયમ હોય છે કે જો કોઈ પણ સ્ટીમરમાં ચેપી રોગનો ઉપદ્રવ થાય અથવા તો કોઈ પણ સ્ટીમરને ચેપી રોગ ફેલાયેલો હોય તેવા બંદરેથી આવતી હોય તો તે સ્ટીમરને અમુક મુદત સુધી ક્વૉરેન્ટીનમાં રાખે, એટલે કે સ્ટીમરની સાથેનો સંસર્ગ બંધ કરે અને ઉતારુ, માલ વગેરેને અમુક મુદત સુધી ઉતારવાની મનાઈ કરે, આવો પ્રતિબંધ કેવળ આરોગ્યના નિયમોને અંગે જ અને બંદરખાતાને લગતા દાકતરના હુકમની રૂએ જ મૂકી શકાય. આ પ્રતિબંધ મૂકવાના અધિકારનો કેવળ રાજ્યપ્રકરણી ઉપયોગ, એટલે જ દુરુપયોગ નાતાલની સરકારે કર્યો, અને આગબોટોમાં કોઈ પણ એવો ચેપી રોગ નહીં હોવા છતાં ર૩ દિવસ સુધી બંને સ્ટીમરને ડરબનના બારામાં લટકાવી રાખી, દરમ્યાન કમિટીનું કામ જારી રહ્યું. દાદા અબદુલ્લા 'કુસ્લેન્ડ'ના માલિક હતા તેમ 'નાદરી'ના એજન્ટ હતા. તેમને કમિટીએ ખૂબ ધમકાવ્યા. જો સ્ટીમરો પાછી વાળે તો લાલચો પણ અાપી અને ન વાળે તો તેમના વેપારને પણ ધકકો પહોંચાડવાનો ભય કેટલાકે બતાવ્યો. પણ પેઢીના ભાગીદાર ભીરુ ન હતા. ધમકી દેનારને આ સંભળાવ્યું : “મારો બધો વેપાર ફના થઈ જશે, હું ખુવાર થઈશ ત્યાં લગી લડીશ, પણ ડરી જઈને આ નિર્દોષ ઉતારુઓને પાછા મોકલવાનો ગુનો હું કરવાનો નથી. જેમ તમને તમારા દેશનું અભિમાન છે તેમ