આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો સાંજ લગી વાટ જોવી અને પછી ગુનેગારની અથવા ચોરની માફક દાખલ થવું પસંદ નથી આવતું. તમને જો કંઈ પણ ડર ન હોય તો હમણાં જ મારી સાથે ચાલો અને આપણે જાણે કંઈ ન થયું હોય તેમ પગપાળા જ શહેરમાં થઈને ચાલ્યા જઈશું." મેં કહ્યું, "હું માનતો નથી કે મને કોઈ જાતનો ડર હોય. મિ. એસ્કંબની સૂચનાને – સલાહને – માન આપવું કે નહીં એ જ કેવળ વિવેક-અવિવેકનો સવાલ મારી નજર આગળ છે. અને કેપ્ટનની એમાં કંઈ જવાબદારી છે કે નહીં એ પણ થોડું વિચારી લેવું જોઈએ." મિ. લૉટન હસીને બોલ્યા: મિ. એસ્કંબે એવું શું કર્યું છે કે જેથી એની સૂચના ઉપર તમારે જરાયે ધ્યાન આપવું પડે ? વળી એની સૂચનામાં કેવળ ભલમનસાઈ જ છે અને ભેદ નથી એમ માનવાનું પણ તમારી પાસે શું કારણ છે ? શહેરમાં શું બન્યું છે અને તેમાં આ ભાઈસાહેબનો કેટલો હાથ છે તે તમે જાણો તેના કરતાં હું વધારે જાણું છું. (મેં વચમાં ડોકું ધુણાવ્યું.) છતાં ભલે એણે સારા ઈરાદાથી સૂચના આપી હોય એમ પણ આપણે માની લઈએ. છતાં એ સૂચનાનો અમલ કરવાથી તમને નામોશી પહોંચે એમ હું ચોકકસ માનું છું. માટે મારી તો સલાહ છે કે તમે જો તૈયાર હો તો હમણાં જ ચાલો. કેપ્ટન તો આપણા જ છે એટલે એની જવાબદારી એ આપણી છે. એને પૂછનાર કેવળ દાદા અબ્દુલ્લા જ હોય. એ શું ધારશે એ હું જાણું છું, કેમ કે તેમણે આ લડતમાં ખૂબ બહાદુરી બતાવી છે." મેં કહ્યું, "ત્યારે આપણે ચાલો. મારે કશી તૈયારી કરવાની નથી. મારી પાઘડી માથે મૂકવાની જ બાકી છે. કેપ્ટનને કહી દઈએ અને નીકળી પડીએ." કેપ્ટનની રજા લીધી.

મિ. લૉટન ડરબનના ઘણા જૂના અને પ્રખ્યાત વકીલ હતા. હું હિંદુસ્તાન ગયો તેના પહેલાં જ તેમની સાથે મારે ઘણો સારો સંબંધ બંધાઈ ગયો હતો. મારા મુશ્કેલીભરેલા કેસોમાં હું તેમની જ મદદ લેતો અને ઘણી વાર મોટા વકીલ તરીકે તેમને જ રોકતો. તેઓ પોતે હિંમતવાન હતા. બાંધામાં કદાવર હતા.