આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સેંકડો નાનામોટા ભેગા થઈ ગયા. એક બળવાન માણસે મિ. લૉટનને બાથમાં લઈ મારાથી નોખા પાડ્યા, એથી મને પહોંચી વળે એવી તેમની સ્થિતિ ન રહી. મારી ઉપર ગાળોના, પથ્થરોના, જે કંઈ તેઓના હાથમાં આવ્યું તેના વરસાદ થવા લાગ્યા. મારી પાઘડી ઉડાડી મૂકી. દરમ્યાન એક મોટા જાડા માણસે આવી મને થપ્પડ મારી અને પછી પાટુ મારી, તમર ખાઈને પડવા જતો હતો તેટલામાં રસ્તાની પાસે રહેલી એક ઘરના આંગણાની જાળી મારે હાથ આવી. જરા શ્વાસ લઈ તમર ઊતરી એટલે ચાલવા માંડયું. જીવતા પહોંચવાની લગભગ અાશા છોડી બેઠો હતો. પણ મને એટલું બરાબર યાદ છે કે એ વેળાએ પણ મારું હૃદય આ મારનારાઓનો દોષ લેશમાત્ર પણ કાઢતું ન હતું.

આમ મારી મુસાફરી ચાલી રહી હતી. તેટલામાં ડરબનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની ઓરત સામેથી જતી હતી. અમે એકબીજાને સારી પેઠે ઓળખતાં હતાં. એ બાઈ બહાદુર હતી. જોકે વાદળ હતું છતાં, ને હવે તો સૂરજ પણ નમવા પર હતો તોપણ એ બાઈએ પોતાની છત્રી મારા રક્ષણ સારુ ઉઘાડી અને મારી પડખે ચાલવા લાગી. બાઈ માણસનું અપમાન, અને તે પણ ડરબનના ઘણા જૂના અને લોકપ્રિય ફોજદારની ઓરતનું અપમાન ગોરાઓ ન જ કરે – તેને ઈજા પણ ન જ પહોંચાડે તેથી એને બચાવીને મારા પર માર પડે એ ઘણો હળવો જ હોય. એટલામાં આ હુમલાની પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ખબર પડવાથી તેણે પોલીસ પાર્ટી મોકલી અને પોલીસે મને ઘેરી લીધો. અમારો રસ્તો પોલીસ ચોકીની પાસે થઈને જતો હતો. ત્યાં પહોંચ્યા એટલે ફોજદાર રાહ જોઈને જ ઊભો હતો. તેણે મને પોલીસ ચોકીમાં જ જવાની સલાહ આપી. મેં ઉપકાર માન્યો પણ તેમાં જવાની ના પાડી. મેં કહ્યું, “મારે તો મારે ઠેકાણે પહોંચ્યે છૂટકો છે. ડરબનના લોકોની ન્યાયવૃત્તિ પર અને મારા સત્ય પર મને વિશ્વાસ છે. તમે પોલીસ મોકલી છે તેને સારુ હું આભારી છું. વળી મિસિસ એલેકઝાંડરે પણ રક્ષણ કરેલું છે."