આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોકીમાં પેલા અમલદારની સાથે પહોંચી ગયો. દરમ્યાન ફોજદાર પ્રસંગને લગતાં ગીતોથી અને ભાષણોથી ટોળાંને રીઝવી રહ્યો હતો. જ્યારે તેને ઈશારો મળ્યો કે હું પોલીસ ચોકીમાં પહોંચી ગયો છું ત્યાર તેણે પોતાનું ખરું ભાષણ શરૂ કર્યું : .

"તમે શું માગો છો ?"

“અમને ગાંધી જોઈએ.”

“તમે શું કરવા ઈચ્છો છો ?"

“તેને અમે સળગાવીશું."

"તેણે તમારું શું બરું કર્યું છે ?"

“અમારે વિશે હિંદુસ્તાનમાં ઘણી જૂઠી વાતો કરી છે. અને નાતાલમાં હજારો હિંદીઓને દાખલ કરવા માગે છે."

"પણ એ બહાર ન નીકળે તો શું કરશો ?"

“તો અમે આ મકાનને સળગાવીશું."

"એમાં તો એનાં બાળબચ્ચાં છે. બીજાં સ્ત્રીપુરુષો છે. સ્ત્રીઓ અને બાળકોને સળગાવતાં પણ તમે નહીં શરમાઓ ?”

“એ તો દોષ તમારો, તમે અમને લાચાર કરો તો અમે શું કરીએ ? અમે તો બીજા કોઈને ઈજા કરવા નથી ઈચ્છતા. ગાંધીને સોંપો એટલે બસ છે. તમે ગુનેગારને ન સોંપો અને તેને પકડતાં બીજાને નુકસાન થાય તેનો દોષ અમારા ઉપર નાખો એ ક્યાંનો ન્યાય ?”

સુપરિન્ટેન્ડેન્ટે હળવેથી હસીને તેઓને ખબર આપી કે હું તો સહીસલામત તેઓની વચ્ચે થઈને જ બીજી જગાએ પહોંચી ગયો છું ! લોકો ખડખડ હસી પડયા અને "જૂઠું" "જૂઠું" એમ પોકાર્યું. સુપરિન્ટેન્ડેન્ટ બોલ્યા, "તમે જો તમારા બુઠ્ઠા ફોજદારની વાત ન માનતા હો તો તમારી ઈચ્છામાં આવે એવા ત્રણ-ચાર માણસની કમિટી નીમો. બીજા બધા વચન આપો કે કોઈ મકાનની અંદર નહીં ઘૂસો અને જો ગાંધીને કમિટી ન શોધી શકે તો તમે બધાય શાંત થઈને પાછા જશો. તમે જુસ્સામાં આવીને પોલીસની સત્તાને આજે કબૂલ ન કરી તેમાં નામોશી પોલીસની નથી પણ તમારી છે. તેથી પોલીસ તમારી સાથે દાવ રમી, તમારી વચમાંથી તમારા