આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાતાલના બનાવોની અસર વિલાયતમાં પણ થઈ. મિ. ચેમ્બરલેને નાતાલની સરકાર પર તાર કર્યો કે જે લોકોએ મારી ઉપર હુમલો કર્યો તેમના ઉપર કામ ચાલવું જોઈએ અને મને ઈન્સાફ મળવો જોઈએ.

મિ. એસ્કંબ ન્યાયખાતાના પ્રધાન હતા. તેમણે મને બોલાવ્યો. મિ. ચેમ્બરલેનના તારની વાત કરી, મને ઈજા થઈ તેને સારુ દિલગીરી જણાવી, હું બચી ગયો તેને સારુ પોતાની ખુશાલી જાહેર કરી, અને કહ્યું, "હું તમને ખાતરી આપું છું કે તમને તથા તમારી કોમના કોઈને પણ ઈજા થાય એવું હું મુદ્દલ ઈચ્છતો ન હતો. તમને ઈજા થવાનો મને ભય હતો તેથી જ તમને મેં રાતના ઊતરવા વિશે સમાચાર મોકલાવ્યા. તમને મારી સૂચના પસંદ ન પડી. મિ. લૉટનની સલાહ તમે માની તે વિશે હું જરાયે તમારો દોષ કાઢવા ઈચ્છતો નથી. તમને યોગ્ય લાગે એ કરવાનો તમને પૂરો અધિકાર હતો. મિ. ચેમ્બરલેનની માગણી સાથે નાતાલની સરકાર પૂરી સંમત છે. ગુનેગારોને સજા થાય એ અમે ઈચ્છીએ છીએ. હુમલાઓ કરનારમાંના કોઈને તમે ઓળખી શકશો ?” મેં જવાબ આપ્યો, સંભવ છે કે એકબે માણસને કદાચ હું ઓળખી શકું. પણ આ વાત લંબાય તેના પહેલાં જ મારે કહી દેવું જોઈએ કે મેં મારા મનની સાથે કયારનો નિશ્ચય કરી મૂકયો છે કે મારી ઉપર થયેલા હુમલા બાબત કોઈની સામે અદાલતમાં ફરિયાદ કરવા ઈચ્છતો જ નથી. હુમલો કરનારનો તો હું દોષ પણ નથી જોતો. તેઓને જે હકીકત મળી તે તેઓના આગેવાન તરફથી. એના ખરાખોટાની તપાસ કરવા એ લોકો બેસી ન શકે. મારે વિશે જે તેઓએ સાંભળ્યું તે બધું ખરું હોય તો તેઓ ઉશ્કેરાઈ જાય, અને જુસ્સામાં આવીને ન કરવાનું કરી નાખે, એમાં હું તેમનો દોષ ન કાઢું, ઉશ્કેરાયેલાં ટોળાં એ જ રીતે ઈન્સાફ લેતાં આવ્યાં છે. જો કોઈનો પણ દોષ હોય તો આ બાબતમાં થયેલી કમિટીનો અને તમારો પોતાનો છે, અને તેથી નાતાલની સરકારનો છે. રૂટરે તાર ગમે તેવો કર્યો પણ જ્યારે હું પોતે અહીંયાં આવતો હતો