આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તો મને લખજો. પણ એટલું મારે કહેવું જોઈએ કે તમારી ચિઠ્ઠીમાં ફરિયાદ ન કરવાની જવાબદારી સ્પષ્ટ રીતે તમારે પોતાને જ કબૂલ કરવી જોઈએ. તો જ મારાથી તેનો ઉપયોગ થઈ શકે." મેં કહ્યું, "આ વિશે મેં કોઈની સાથે મસલત નથી કરી; તમે આ પ્રસંગને સારુ મને બોલાવ્યો છે એ પણ હું જાણતો ન હતો, અને મારે કોઈની સાથે આ બાબતમાં મસલત કરવાની ઈચ્છા પણ નથી. મિ. લૉટનની સાથે ચાલી નીકળવાનો ઠરાવ કર્યો ત્યારે જ મારા મનની સાથે મેં નિશ્ચય કરી લીધો હતો કે મને કંઈ પણ ઈજા થાય તો તે વિશે મારા દિલમાં ખોટું લગાડવું નથી. એટલે પછી ફરિયાદ કરવાનું તો હોય જ શાનું ? મારે સારુ આ ધાર્મિક પ્રશ્ન છે. અને તમે કહો છો એ પ્રમાણે હું માનું પણ છું કે મારા અા સંયમથી હું મારી કોમની સેવા કરીશ એટલું જ નહીં પણ મને પોતાનેયે એથી લાભ જ છે. તેથી હું મારા પોતાના ઉપર બધી જવાબદારી લઈને અહીં જ તમને ચિઠ્ઠી લખી દેવા ઈચ્છું છું." અને મેં ત્યાં જ તેમની પાસેથી કોરો કાગળ લઈને ચિઠ્ઠી લખી દીધી.


૮. હિંદીઓએ શું કર્યું? (ચાલુ)
(વિલાયતનો સંબંધ)

પાછલાં પ્રકરણોથી વાંચનારે જોયું હશે કે આયાસે અને અનાયાસે કોમે પોતાની સ્થિતિ સુધારવાને સારુ કેટલાક પ્રયત્નો કર્યા, અને પોતાની પ્રતિષ્ઠા વધારી. જેમ દક્ષિણ આફ્રિકામાં પોતાનાં બધાં અંગો ખીલવવામાં કોમે યથાશક્તિ પ્રયત્ન કર્યો તે જ પ્રમાણે હિંદુસ્તાન અને વિલાયતથી મળી શકતી હોય એટલી મદદ મેળવવાનો પ્રયાસ પણ કર્યો. હિંદુસ્તાનને વિશે તો હું થોડું લખી ગયો. વિલાયતથી મદદ મળવા સારુ શું કર્યું એ હવે નોંધવાની જરૂર છે. કોંગ્રેસની બ્રિટિશ કમિટી સાથે સંબંધ તો જોડવો જ જોઈએ; તેથી દર અઠવાડિયે હિંદના દાદાને અને કમિટીના પ્રમુખ સર વિલિયમ વેડરબર્નને સંપૂર્ણ