આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સજા થઈ. આમાં ઘણાખરા તો કરોડપતિ જ હતા. વડી સરકાર આમાં શું કરી શકે ? ધોળે દહાડે ધાડ હતી. પ્રેસિડન્ટ ક્રૂગરની કિંમત એકદમ વધી ગઈ. મિ. ચેમ્બરલેને દીન વચનવાળો તાર કર્યો, અને પ્રેસિડન્ટ ક્રૂગરના દયાભાવને જાગ્રત કરી અા બધા મોટા માણસોને સારુ દયાની માગણી કરી. પ્રેસિડન્ટ ક્રૂગરને પોતાનો દાવ રમતાં બરાબર આવડતું હતું. દક્ષિણ આફ્રિકામાંથી કોઈ પણ શક્તિ એની રાજસત્તા છીનવી શકે એવી ધાસ્તી જ ન હતી. ડૉકટર જેમિસન અને તેના મિત્રોનું કાવતરું તેમની પોતાની ગણતરી પ્રમાણે તો સુંદર રીતે રચાયેલું હતું, પણ પ્રેસિડન્ટ ક્રૂગરની ગણતરી પ્રમાણે બાળકમત જેવું હતું. તેથી તેણે મિ. ચેમ્બરલેનની આજીજીનો સ્વીકાર કર્યો અને કોઈને ફાંસીની સજા નહીં આપી, એટલું જ નહીં પણ બધાને સંપૂર્ણ માફી આપી છોડી મૂક્યા !

પણ ઊછળ્યું ધાન પેટમાં ક્યાં સુધી રહી શકે ? પ્રેસિડન્ટ ક્રૂગર પણ જાણતા હતા કે ડૉકટર જેમિસનની ધાડ એ તો ગંભીર રોગનું એક નજીવું ચિહ્ન હતું. જોહાનિસબર્ગના કરોડપતિઓ પોતાની થયેલી નામોશી કોઈ પણ રીતે ધોઈ નાખવાનો પ્રયત્ન ન કરે એ અશકય હતું. વળી, જે સુધારાને અર્થે ડૉકટર જેમિસનનો હુમલો ગોઠવવામાં આવ્યો હતો તે સુધારામાંનું તો હજી કંઈ થયું જ ન હતું. તેથી કરોડપતિઓ કેવળ મૂંગા બેસે તેમ ન હતું. તેઓની માગણી પ્રત્યે, દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ સલ્તનતના મુખ્ય પ્રતિનિધિ (હાઈ કમિશનર) લૉર્ડ મિલ્નરને પૂરેપૂરી લાગણી હતી. તેમ જ ટ્રાન્સવાલનો દ્રોહ કરનારાઓ પ્રત્યેની પ્રેસિડન્ટ ક્રૂગરની મહાઉદારતાની સ્તુતિની સાથે જ ચેમ્બરલેને પ્રેસિડન્ટ ક્રૂગરનું ધ્યાન સુધારાઓ કરવાની જરૂરિયાત તરફ તો ખેંચ્યું જ હતું, સૌ માનતું હતું કે લડાઈ થયા સિવાય ઝઘડો પતવાનો જ નથી. ખાણના માલિકોની માગણી એવા પ્રકારની હતી કે જેનું છેવટ પરિણામ તો એ જ આવે કે ટ્રાન્સવાલમાં બોઅરનું પ્રધાનપદ નાબૂદ થાય.. બંને પક્ષ સમજતા હતા કે લડાઈ એ જ છેવટનું પરિણામ છે. તેથી બંને તૈયારી કરતા હતા. એ વખતનું શબ્દયુદ્ધ જોવા લાયક હતું. પ્રેસિડન્ટ ક્રૂગર વધારે હથિયાર વગેરે મંગાવે એટલે બ્રિટિશ એલચી ચેતવે કે સ્વરક્ષણને સારુ અંગ્રેજ