આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવી દલીલ મેં ૧૮૯૯માં કરી અને તેમાં કંઈ પણ ફેરફાર કરવા જેવું મને આજે પણ નથી લાગતું, એટલે કે હું જે મોહ તે વખતે બ્રિટિશ રાજતંત્ર ઉપર રાખતો હતો, આપણી સ્વતંત્રતાની જે આશા એ રાજતંત્રની નીચે તે વખતે મેં બાંધી હતી, તે મોહ અને તે આશા જે આજે પણ કાયમ હોય તો હું અક્ષરશ: એ જ દલીલ દક્ષિણ આફ્રિકામાં કરું અને તેવા સંજોગોમાં અહીં પણ કરું. આ દલીલની સામે ઘણા રદિયા મેં દક્ષિણ આફ્રિકામાં સાંભળેલા, ત્યાર પછી વિલાયતમાં પણ સાંભળેલા. એમ છતાં મારા વિચારો બદલવાનું કંઈ પણ કારણ હું જોઈ શકયો નથી. હું જાણું છું કે મારા આજના વિચારોને પ્રસ્તુત વિષયની સાથે કશો સંબંધ નથી, પણ ઉપરનો ભેદ જણાવવાનાં બે સબળ કારણ છે. એક તો એ કે અા પુસ્તક ઉતાવળથી હાથમાં લેનાર ધીરજથી અને ધ્યાનપૂર્વક આ પુસ્તક વાંચે એવી આશા રાખવાનો મને કંઈ હક નથી. એવા વાંચનારને મારી આજકાલની હિલચાલની સાથે ઉપરના વિચારોનો મેળ મેળવતાં મુશ્કેલી પડે, અને બીજું કારણ એ કે એ વિચારશ્રેણીની અંદર પણ સત્યનો જ આગ્રહ છે. આપણે જેવા અંતરમાં છીએ તેવા જ દેખાવું, અને તે પ્રમાણે વર્તવું એ ધર્માચરણનું છેલ્લું પગથિયું નથી પણ એ પહેલું પગથિયું છે. ધર્મનું ચણતર એ પાયા વિના અસંભવિત છે.

હવે આપણે પાછા ઈતિહાસ તરફ વળીએ.

મારી દલીલ ઘણાને ગમી. એ દલીલ મારી એકલાની જ હતી એમ પણ હું વાંચનારને મનાવવા ઈચ્છતો નથી. વળી આ દલીલ પહેલાં પણ લડાઈમાં ભાગ લેવાનો વિચાર રાખનારા ઘણા હિંદીઓ હતા જ. પણ હવે વ્યાવહારિક પ્રશ્ન એ ખડો થયો કે આ વંટોળિયો વાઈ રહ્યો છે તેમાં હિંદી તૂતીનો અવાજ કોણ સાંભળશે ? હિંદીની શી ગણતરી થશે ? હથિયાર તો અમારામાં કોઈએ કોઈ દહાડો ઝાલ્યાં જ ન હતાં. લડાઈનું બિનહથિયારીમાં કામ કરવાને સારુ પણ તાલીમ તો જોઈએ જ. એકતાલે કૂચ કરતાં પણ અમારામાંના કોઈને ન આવડે. વળી લશ્કરની સાથે લાંબી મજલ કરવી, પોતપોતાનો સામાન ઊંચકીને ચાલવું એ પણ કેમ થઈ શકે ? વળી ગોરાઓ અમને