આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં વિચાર્યું કે મારું કામ હવે દક્ષિણ આફ્રિકામાં પૂરું થયું ગણાય. એક મહિનાને બદલે હું છ વરસ રહ્યો. કાર્યની રેખા બંધાઈ ગઈ હતી. છતાં કોમને રીઝવ્યા વિના હું નીકળી શકું એમ ન હતું. હિંદુસ્તાનમાં સેવા કરવાનો મારો ઈરાદો મેં મારા સાથીઓને જણાવ્યો. સ્વાર્થને બદલે સેવાધર્મનો પાઠ હું દક્ષિણ આફ્રિકામાં શીખી ગયો હતો. તેની લહે લાગી હતી. મનસુખલાલ નાજર દક્ષિણ આફ્રિકામાં હતા જ. ખાન પણ હતા. દક્ષિણ આફ્રિકામાંથી જ ગયેલા કેટલાક હિંદી જુવાનો બેરિસ્ટર થઈ પાછા પણ વળ્યા હતા. એટલે મારું દેશ આવવું કોઈ પણ રીતે અનુચિત ન ગણાય. આ બધી દલીલો કરતા છતાં એક શરતથી મને રજા મળી કે દક્ષિણ આફ્રિકામાં કંઈ પણ અણધારેલી હરકત આવી પડે અને મારી જરૂર જણાય તો કોમ મને ગમે ત્યારે પાછો બોલાવે, અને મારે તુરત પાછા જવું. મુસાકરી અને રહેવાનું ખર્ચ કોમે ભરી દેવું. હું એ શરત સ્વીકારી પાછો ફર્યો.

મરહૂમ ગોખલેની સલાહથી તેમની દેખરેખ નીચે જાહેર કામ કરવાના પ્રધાન હેતુથી, પણ સાથે જ આજીવિકા પણ કમાવાના હેતુથી, મુંબઈમાં બેરિસ્ટરી કરવાનું નકકી કર્યું, અને ચેમ્બર લીધા. વકીલાત પણ કંઈક ચાલવા માંડી. દક્ષિણ આફ્રિકાની સાથે એટલો બધો સંબંધ જોડાયેલો તેથી હું મારું ખર્ચ સહેજે ઉપાડી શકું તેટલું દક્ષિણ આફ્રિકાથી પાછા વળેલા અસીલો જ મને આપી રહેતા. પણ નસીબમાં સ્થિર થઈ બેસવાનું હતું જ નહીં. ભાગ્યે ત્રણચાર મહિના મુંબઈમાં સ્થિર થઈને હું બેઠો હઈશ. તેવામાં દક્ષિણ આફ્રિકાનો તાર આવ્યો : 'સ્થિતિ ગંભીર છે. મિ. ચેમ્બરલેન થોડા વખતમાં આવશે; તમારી હાજરીની જરૂર છે.'

મુંબઈની ઓફિસ અને ઘર સંકેલ્યાં. પહેલી સ્ટીમરે હું રવાના થયો. ૧૯૦૨ની આખરનો આ વખત હતો. ૧૯૦૧ની આખરમાં હું હિંદુસ્તાન પાછો ફરેલો. ૧૯૦૨ના માર્ચ-એપ્રિલમાં મુંબઈમાં અૉફિસ ખોલેલી. તાર ઉપરથી બધું તો હું જાણી નહોતો શકયો. મેં અટકળ કરેલી કે મુસીબત કંઈક ટ્રાન્સવાલમાં જ હશે. પણ ચાર છ માસની અંદર પાછો ફરી શકીશ એમ ધારીને કુટુંબ વિના જ હું ચાલી