આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાંભળી લીધું. કારમને ઘણુંઘણું સાંભળી લીધું. એ ઓરતના હાથમાંથી પોતાનું કાંડું ઝટકીને કારમન નીકળી ગઈ. એના કાનમાં લોહીની ધસાધસના ઘણ પડતા હતા. એની, આંખે ધોળાપીળાં દેખાતાં હતાં. એક વાર તો એ ઠોકર ખાઈને ૫ડી ગઈ. પણ પછડાટની કશી જ પીડા પામ્યા વગર એ ઊઠીને દોડી.

[3]

ઘરમાં એ વધારે ન રોકાઈ. ફક્ત કપડાં બદલાવી ઘોડેસવારીનો લેબાસ પહેરી લીધો, ને કમ્મરે પિસ્તોલ કસકસી લીધી. થોડી ખીસાખરચી લઈ લીધી, પછી એ નીકળી પડી. રેલગાડીમાં ચડી. જાણતી હતી કે એ ધુતારો ક્યાં મળશે, પણ એને ઠાર કર્યા પહેલાં એક વાર તો જરૂર હતી એ દગલબાજની ધાતુનો જથ્થો હાથ કરવાની. ભાઈની ઇજ્જત બચાવવા સારુ બૅન્કમાં એ ધાતુ સુપરદ કરવી હતી. એને ખાતરી હતી કે રૂપાનો જથ્થો નક્કી ક્યાંક એણે સંઘર્યો હોવો જોઈએ. આહા ! એક રંડીબાજ જુગટિયો – એને મેં મારું કુમારિકાનું હૃદય અર્પણ કર્યું ! રેલગાડીની ગતિના થડકારા સાથે તાલ લેતો એ વિચાર-ધબકારો એના માથામાં ચાલી રહ્યો હતો.

એ સ્ટેશને ઊતરી. ત્યાંથી ખાણ પર પહોંચવાનો પગરસ્તો હતો, પણ ઘોડે ચડીને મુસાફરી કરવા જેટલી ધીરજ એનામાં નહોતી રહી. એક મોટર ભાડે કરીને એ ઊપડી. બીજે દિવસે બપોરે એ સ્થળ આવી પહોંચ્યું, કે જ્યાંથી મોટર આગળ વધી શકતી નથી. મોટરને રોકી, એક ભોમિયો મેળવી, બે ઘોડાં લઈ એણે ખાણ તરફની મજલ ખેડવા માંડી. આ એ જ ભોમિયો હતો. જેણે અગાઉ પણ કેટલીક વાર કારમનને પિયુજીની ખાણના પંથે દોરેલી. પરંતુ આજે એ ભોમિયાની ઝીણી આંખોએ આ કુમારિકાની ઉજાગરે સોજી ગયેલી લાલઘૂમ આંખો દીઠી, કોઈને વીંધી રહ્યા રહ્યા હોય તેવા. ડોળા દીઠા, એ હેરત પામ્યો. પિયુની પાસે જનારનું મોં આવું શા માટે? એના ચહેરા ઉપરથી નીચે આખા દેહના દીદાર કિરતી એની દૃષ્ટિ કુમારિકાની કમ્મરે બાંધેલા હથિયાર પર ઠેરી ગઈ. એક પલમાં જ એ પામી ગયો. ઘેર ગયો. સજ્જ થઈને આવ્યો ત્યારે એની છાતીએ પણ કારતૂસનો પટ્ટો હતો અને હાથમાં બંદૂક હતી.

રૂંઝ્યો રડી તે વેળાએ બન્ને ખાણ ઉપર પહોંચ્યાં. તમામ સૂનકાર હતું. એક પણ યંત્ર નહોતું, ન કોઈ મજૂર હતો. તમામ ક્યાંક ચાલ્યું ગયેલું.

ભોમિયાએ પૂછ્યું : “તમારે તો બાઈ, ડૉન મેન્યુઅલ જ્યાં ખોદાવે છે તે ખાણ પર જવું છે ને? તો એ ખાણ આ નહિ હો ! આ તો એક ખાડો છે. અસલમાં આ ખાણ હતી. પણ હવે આમાં કટકીય રૂપું જડે તેમ નથી.”

“પણ મેં આંહીં માટીના થરોમાં રૂપાનાં વળાં દીઠેલાં ને?” કારમને ચોંકીને પૂછ્યું.

ભોમિયો પેટફાટ હસી પડ્યો : “હં અં ! – બંદૂકે કરીને માટીમાં ધરબી દીધેલું રૂપું ! અરે બાઈસાહેબ, એ રીતે તો તમારા ખાવંદે આ ખાણને દસ વાર વેચી છે, બાકી એની સાચી ખાણ તો આંહીંથી દસ ગાઉ દૂર રહી.”

“ભાઈ જુઆન ! તું જાણે છે, એ જગ્યા ક્યાં છે તે ?”

“હોવે.” ભોમિયાએ દાંત ભીંયા. “પણ તમે રાતની રાત આંહીં આરામ લ્યો. આપણે સવારે ઊપડીએ."

કુમારી કારમન
421