આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“ના, ના, મારે આરામ નથી લેવો, મને થાક નથી લાગ્યો, આપણે ને રસ્તે અંધારે ? પંથ કરી શકશું?”

જવાબમાં જુઆને ઘોડાના પગડામાં પગ પરોવી છલાંગ મારી, ઘોડો ચલાવ્યો એણે હોઠ પીસ્યા, એનેયે કંઈક હિસાબ ચોખ્ખો કરવો હતો.

જ્યારે તેઓ એક નાની ડુંગરગાળીમાં પહોંચ્યાં ત્યારે ભળકડાની વેળા થઇ ગઈ હતી ગાળીને બીજે છેડે, દૂર દૂર ગોળ કુંડાળે કોઈક મોટા પડાવનાં તાપણાં ઝબૂકતાં હતાં, અત્યાર સુધી જીન ઉપર ટકી રહેલી કારમનને આંખે અંધારાં આવ્યાં. એક ઠંડા પાણીની પ્યાલીએ અને લગાર સુરાએ એને પાછી ખબરદાર કરી દીધી, ઘોડાં ઝાડના થડ સાથે બાંધી દીધાં. જુઆને બંદૂકને કોથળીમાંથી બહાર કાઢીને એના ચક્કરમાં કારતૂસો ઠાંસી લીધા. કારમનને ચુપકીદીથી ઠેરવવાનું કહી પોતે અંધારામાં આગળ વધ્યો. થોડી વારે પાછો આવ્યો.

“કશો જ અવાજ કરશો નહિ.” એટલું કહી એ કારમનને એક એવી જગ્યાએ લઈ ગયો, કે જ્યાંથી આખો પડાવ નજરે પડતો હતો. લપાઈને તેઓ વાટ જોઈ રહ્યાં.

પ્હો ફાટતી હતી. પડાવ ઉદ્યમે લાગવા સળવળતો હતો. કારમને એ ઊંડા ઊંડા ચાલ્યા જતા ભોંયરાના મોં પાસે જબ્બર વસવાટ દીઠો. મજૂરો દિવસનું ભોજન રાંધી રહ્યા હતા.

એ સમજી ગઈ : આ જ એ સાચી ખાણ – કે જેનું રૂપું અત્યાર સુધીમાં બેન્કની અંદર જમા થવું જોઈતું હતું. આ રૂપા-ખાણની રૂપાપાટો વડે મારું અને મારા ભાઈનું સત્યાનાશ અટકાવી શકાયું હોત. તેને બદલે હું આ શું જોઉં છું ! આ રાક્ષસ અમને નિચોવી છેતરી, લૂંટી, અમારી ઇજ્જતનો વધ કરીને જ અટક્યો નથી. એની દુષ્ટતાની શગ તો એ ચડી છે, દાઝ્યા પર ડામ તો એણે એ દીધો છે, કે મીઠા મીઠા પ્રેમબોલો બોલીને મને એ હજુય એના પ્યારના ફાંસલામાં ફસાવી રહ્યો છે – ક્યાં છે એ કાળશત્રુ !

જેમ જેમ અજવાળું ઊઘડતું ગયું, લોકોના આકારો દૃષ્ટિએ પડ્યા, તેમ તેમ એની આંખો ફાટતી ગઈ. જાણો-અજાણો એનો હાથ કમ્મર પરની પિસ્તોલના બંધ ઢીલા કરી રહ્યો હતો.

“જો જો હોં બાઈસાહેબ !” જુઆને એને ચેતાવી; “રખે ભૂલ કરી બેસતાં. અહીં ને આંહીં આપણને ભંડારી દેશે. માટે જો આપણે ગોળી છોડવી હોય તો ઘોડાં હાથવેંતમાં રાખવાં જોઈએ. ઉપરાંત, આપણો પીછો લેવા જેવું કંઈ વાહન-ઘોડું એની કને તો નથી ને, તે પણ આપણે તપાસી લેવું જોઈએ. બાઈસાહેબ, તમે થોડોક વિસામો લઈ લ્યો. હું ચોકી રાખીને બેસીશ.”

ઉગ્ર રોષ અને ઉશ્કેરાટના નશાને અંતે કારમનની નસો તૂટતી હતી. એનું શરીર વિસામો માગતું હતું. ઝાડની ઓથે જીનની ધાબળીઓનું પાથરણું કરીને એ ભરનીંદરમાં પડી. પછી જ્યારે કોઈના હાથે ઢંઢોળાઈને એ જાગી ઊઠી, ત્યારે એને લાગ્યું કે જાણે પોતે ફક્ત એક જ પળ ઝોલું લઈ ગઈ હતી. કાંડાની ઘડિયાળ પર જોયું તો બપોરની વેળા થઈ ગઈ હતી. એને આટલા કલાકની નિદ્રા પછી જાગ્રત કરનાર જુઆન જ હતો.

“બાઈસાહેબ!” જુઆન બોલ્યો : “મેં ખાવાનું રાંધ્યું છે. હવે તમે તાબડતોબ જમી લ્યો. પડાવમાં કંઈક ભારી વાત બની રહી છે. ગધાડાં ઉપર કશુંક લાદે છે.”

કુમારિકા ઝબકારો કરતી ખડી થઈ ગઈ. ઠંડા જળથી મોં ધોયું. નાસ્તો ઝટ ઝટ

422
બહારવટિયા-કથાઓ