આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ક૨વાની તમારી આતુરતા તો હું સમજું જ છું ને ! ખરું કહું છું ને, પ્રિય !”

“રાંડ બિલ્લી !” કહેતો મેન્યુઅલ સાપની માફક ફૂફાડી ઊઠયો “એ…મ ! તેં તારા ૫૨ જાસૂસી કરી છે એમ ? વારુ ! હવે આ ખબર તું તારા ભાઈની પાસે તો નહિ જ પહોંચાડી શકે, સમજી ?”

એટલું કહીને એણે કારમન તરફ કદમ ભર્યા. એનો પંજો કમર પરના હથિયારની મૂઠ પર જ હતો.

વીજળીનો સબકારો થાય તેટલી ઝડપથી કારમને પોતાની પિસ્તોલને ખેંચી અને ‘પિયુજી’ની સામે નિશાન લઈ લીધું. બોલી : “નહિ જ” – ને એટલું કહેતાં તો એકાએક એની ખામોશી ભુક્કો થઈ ગઈ. એની નસોમાં ધગધગતી આગ ધસવા લાગી, અને એના હૈયામાં ઊપડેલા ધબકારાએ એનો શ્વાસ જાણે રૂંધી દીધો. “નહિ જ. મારા ગરીબ બિચારા ભાઈની પાસે તો હવે હું આ ખબર નહિ જ પહોંચાડી શકું. કેમ કે એ તો ક્યારનો બીજી દુનિયાને પંથે નીકળી પડ્યો છે ! ને તું પણ એને નહિ પહોંચાડી શકે. કેમ કે તારા હોઠ ઉપર પણ નરક-જ્વાળાની રાખ છંટાઈ જશે ! ઓહ ! ઓહ ! એક જ વારને બદલે એક હજાર વાર હું તારો જાન હમણાં જ લઈ શકી હોત !”

એ શબ્દો અને એ રૌદ્ર મૂર્તિ મેન્યુઅલને શરીર સ્વેદ વળી ગયો. એનું હૈયું ભાંગી ગયું. હથિયારની મૂઠ પરથી એનો પંજો ઊંચો થયો, એણે ચીસો પાડી પોતાના નોકરોને : “ઓ હોલ, ગોમેદ, દોડજો, દોડજો !”

“આવ્યો, જનાબ !” કહેતો એક આદમી હાથમાં પિસ્તોલ લેતો ધસી આવ્યો. તત્કાળ કારમનના સાથી જુઆને રાઇફલ તોળી, ઘોડો ચાંપતાં જ એ ગોમેજ નામનો નોકર પડ્યો. થોડી વાર તરફડ્યો, પછી એનું શબ શાંતિમાં સૂતું.

મેન્યુઅલે એ તાકી રહેલી પિસ્તોલની સામે એક આખરી હિંમત કરી. હથિયાર ખેંચવા ગયો તે જ પળે કારમનની પિસ્તોલની પહેલી ગોળીએ એનો જમણો હાથ ચૂંથી નાખ્યો. પછી તો જખમી પિયુજીએ પ્રિયતમાની આંખોમાં પોતાનું તકદીર વાંચી કાઢ્યું. એ દીવાનો બન્યો. વેદનાની ચીસો પાડતો એ કારમનની પાસે પહોંચવા મથતો હતો. ફરી વાર એક હડુડાટ ગાજ્યો, ઘરની દીવાલોએ એને દસ ગણો વધારે ગુંજાવ્યો, અને પિયુજીની એક જાંઘ વીંધાઈ ગઈ. એ પૃથ્વી પર પટકાઈ પડ્યો. પછી એ નરાધમના કલેવર પર ઊભીને એના તરફડતા દેહ ઉપર ધડ, ધડ, ધડ એક પછી એક ગોળી ચોંટાડી – એની કારતૂસોની દાબડી ખલાસ થઈ ગઈ ત્યાં સુધી.

અત્યાર સુધી શાંતિથી આ ઘટના જોઈ રહેલો જુઆન આગળ આવ્યો, એ ચૂંથા થયેલા શબ સામે થોડી વાર જોઈ રહ્યો, પછી એણે કહ્યું, “વાહવાહ ! હિસાબ પતી ગયો.”

એટલું કહીને એ કારમન તરફ વળ્યો. કાર્યની સમાપ્તિ થયા પછી એ કુમારિકા દિગ્મૂઢ બનેલી ઊભી હતી. પિસ્તોલ હજુ ધુમાડો કાઢી રહી હતી. જુઆને માથા પરથી ટોપી ઉઠાવીને એ બાળા સામે મસ્તક નમાવ્યું. “ઓ સિનોરીટા ! મહાપુણ્યનું કાર્ય કર્યું; એ કુત્તાને ઉચિત મૉત મળ્યું. કંઈક વર્ષો પહેલાં એણે મારી બહેનને ઉઠાવી જઈને એની હત્યા કરી હતી. ખરેખર આજ એ બહેન જ્યાં હશે ત્યાંથી તને દુવા દેતી હશે – હું દઈ રહ્યો છું તે રીતે. પણ હવે ચાલો, આપણે ભાગી છૂટીએ. મારી જિંદગી તો હવે તારાં ચરણોમાં જ સમજજે.”

એટલું કહી, કારમનનું કાંડું ઝાલી એ કારમનને બહાર ખેંચી ગયો. બહાર પેલો વૃદ્ધ

426
બહારવટિયા-કથાઓ