આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રૂપા ખાણને જપ્ત કરવા જ્યારે પહેલી ફોજ પોતાના દારૂગોળા લઈને આવી પહોંચી ત્યારે એણે દીઠું કે આ કાંઈ આકડે મધ નથી. કારમન બહારવટિયણના કટકની ધૂંઆધાર બંદૂકોએ ગોળીઓની ઠારમઠોર બોલાવી. પહેલી ગિસ્ત હાર ખાઈને પાછી ગઈ.

બીજી વાર એક સો સોલ્જરોની પલટન્ ચડી. જુએ તો કારમને ખાણ ઉપર કિલ્લેબંધી કરી કાઢી ઊંચાણ ઉપર ચોયફરતા નાનાનાના કોઠા ખડા કરીને એની ઓથે બહારવટિયણનું સૈન્ય લપાઈ ગયું હતું. મૅક્સિકો રાજની ફોજ અને એના દારૂગોળા લાઇલાજ થઈ ગયા. બહારવટિયણની બંદૂકોએ કંઈકને ફૂંકી માર્યા. કેટલાય કલાકોની ટપાટપી પછી ફોજ હટીને પાછી વળી.

પણ કારમનને પોતાના ખરા બળની ખબર હતી. ઝાઝો વખત મિલિટરીની ઝીંક ઝીલી શકાય તેવું નહોતું. એણે ખાણની કિલ્લેબંધી તજી દઈને નજીકના ડુંગરામાં નિવાસ લીધો.

સરકારે કલા ‘વેબ્રાન્તદા’ની રૂપા-ખાણ જપ્તીમાં લઈ લીધી. ખાણિયાઓને ત્રીજા માલિકોના હાથ તળે મુકાવું પડ્યું. પરંતુ એમ કારમન કેમ પોતાની માલિકી સોંપી દઈ શકે ? વહાલા ભાઈનું શોણિત ત્યાં સીંચાયું હતું. બહારવટિયણે મનથી નિરધાર કર્યો કે રાજ ભલેને મારી વતી વહીવટ કરતું. બાકી ભોગવટો તો મારો જ છે, તે મારો જ રહેવાનો. રૂપાની પાટ રાજને ઘેરે નહિ જઈ શકે.

એક મહિનો વીતી ગયો છે. રૂપાના લાટાનો ગંજાવર જથ્થો તૈયાર થઈ ગયો છે. રાજના વહીવટદારોએ ખચ્ચર-ગધેડાની પીઠ ઉપર લાટા લદાવ્યા છે અને છે ખચ્ચર–ગધેડાંનું એ લંગર, કસકસ થતી પીઠને લીધે ધીરાં ડગલાં માંડતું , મજબૂત ચોકીપહેરા નીચે રેલગાડીના મથક તરફ ચાલી નીકળ્યું છે. સત્તાવાળાઓ બેધડક છે કે એક મહિનાથી બહારવટિયણનો જરી સળવળાટ પણ સાંભળ્યો નથી. સૌએ માનેલું કે કારમન ક્યાંક છેટે નીકળી ગઈ હશે. પણ બહારવટિયણ તો પોતાની વાટ ઉપર ખબરદાર ઊભી હતી. એની ગરુડ-શી ટાંપ ગાફેલ નહોતી. ખાણમાં શું-શું ચાલી રહેલું છે તેની રજે રજ બાતમી એના પહાડી જાસૂસો એને પહોંચાડી જતા. એટલે આજ કારમન રાજવાળાઓને બતાવી દેવા વાટમાં ખડી થઈ ગઈ હતી, કે કોણીનો ગોળ ચાટવો કેવોક કઠણ છે. ધરતીનાં પોડાં ફાટીને નીકળે તેવી અણધારી ફક્ત એકસો આદમીઓની ફોજ વાટમાં ખડી થઈ ગઈ. મોખરે ઊભી રહી હતી જોગમાયા કારમન. પિસ્તોલની નળી નોંધીને એણે પલટનને પડકારી : “આ બાપડાં ખચ્ચરોએ તમારું શું બગાડ્યું છે ? એની તો દયા રાખો ! હટી જાઓ એક બાજુ, જરા વિસામો ખાઈ લો તમે બધા. ત્યાં અમે આ પશુડાંનો ભાર હળવો કરી નાખીએ.”

પોતે મિલિટરીની ટુકડી ઉપર પહેરો ભરતી ઊભી રહી. એના સાથીઓએ ખચ્ચરોને રૂપા સહિત પહાડોમાં તગડવા માંડ્યાં. મિલિટરીના માણસો મોં વકાસીને ઊભા હતા તેની સામે કારમને ટોપી ઉતારી હસતે મોંએ વિદાયની સલામ કરી. જોતજોતામાં તો એનો રેવત પૂંછનો ઝંડો ફરકાવતો અદૃશ્ય બન્યો.

સ્વપ્ન આવીને ઊડી ગયું હોય તેવું બની ગયું. ઘડી-બે ઘડીમાં જ મિલિટરીએ આખું જંગલ સૂનકાર બનેલું દીઠું. આંખો ચોળીને ટુકડી પાછી પાટનગરમાં ચાલી ગઈ.

લોકલાગણી કોણ જાણે શા કારણથી હંમેશાં બહારવટિયાને માથે જ ઢળી પડે છે. એમાંય એક છોકરીની આ જવાંમર્દીએ તો લોકોને ઘેલા કરી મૂક્યા. હરએક જબાનના ટેરવા ઉપર ‘બહાદરિયાં બેટી કારમન’નું નામ રમે છે. ને આ છેલ્લી બહાદુરી સાંભળીને

428
બહારવટિયા-કથાઓ