આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બ્રિજપોર્ટ રોડના રસ્તા પરના એક અટૂલા વાડી-બંગલા સુધી ડાકુઓની ગાડીનો સગડ લીધો છે.”

“શાબાશ ! શિકારીની પગેરૂ લેવાની શક્તિએ એને આમાં ખરું કામ આપ્યું છે.” અમલદારોએ એ વાડી-બંગલા પર પહોંચીને અંદર દાખલ થતાં જ દીઠું કે પાંચેય બદમાશો હજુ સુધી શરણાગતિની નિશાની તરીકે માથા ઉપર હાથ રાખીને એક ખૂણામાં લપાઈ થરથર કાંપતા બેઠા છે. એમાંના એકનો હાથ ગોળીથી ચૂંથાઈ ગયો છે ને એ ભોંય પર ઢળી પડ્યો છે. સામે બેઠેલો છે એકાકી મર્દ મેરિયો ડાકુઓની સામે બંદૂક તાકીને શાંતિથી બેઠો છે. બેઠા બેઠા પોતાની પરણેતરને આશ્વાસન આપી રહેલો છે. વાડી વચ્ચે અટૂલા ઊભેલા એ અંધારિયા મકાનમાં, પાંચ શત્રુઓને શરણાગતિના હાથ ઊંચા કરાવી એક જ બંદૂક સાથે બેઠેલો મેરિયો કાળદૂત દેખાતો હતો. પાંચેયને એણે ઠાર નહોતા કર્યા કારણ કે પ્યારીની નજર સામે હત્યાકાંડનું ભીષણ દૃશ્ય ખડું કરવું એ પ્રેમની પવિત્ર સૃષ્ટિમાં મંજૂર નહોતું.

[2]

“મેરિયો પિયાનેતી !” અમેરિકાની પોલીસે એને સલાહ આપી : “તું હવે અહીં સલામત નથી. તું તારે દેશ ચાલ્યો જા.”

ઘણી જિકરને અંતે એ વતનમાં જવા કબૂલ થયો. પત્નીને લઈને એ એક પછી એક શહેરમાં રઝળ્યો, નામ-ઠામ બદલાવતો ગયો, પોતાની હિલચાલના તમામ સગડ ભૂંસતો ગયો, છતાં એણે જોયું કે ‘કાળો પંજો’ એનો પીછો છોડતો જ નથી. દિવસ-રાતના આવા ફફડાટથી થાકીને એક દિવસ ઓચિંતો એ અદૃશ્ય બની ગયો અને છૂપી છુપી અનેક ભુલભુલામણી રમીને આલ્પ્સ પહાડની અંદરના પોતાના ગામડામાં પત્નીની સાથે પહોંચી ગયો. એને લાગ્યું કે અહીં હવે આપણને કોઈ નહિ સતાવે.

“બેટીના !” એણે આટલે વર્ષે પોતાનું ગામડું તપાસીને પત્નીને કહ્યું : “આપણું ગામ તો રાન રાન ને પાન પાન થઈ ગયું છે. ગામભાઈઓની આ દશા દેખીને મારું અંતર બળે છે. આપણે મૈયા મેડોનાની કૃપાથી થોડું રળી લાવ્યા છીએ, તેમાંથી કંઈક ગામની સુધારણા માટે ખરચશું ? તારો શો મત છે ?”

“જરૂર, જરૂર. આપણે રહીએ એ ગામને કંઈ આવું ભૂખલ્યું રહેવા દેવાય ?” માયાળુ દિલની બેટીના ખોળામાં એક ફૂલ જેવી દીકરીને ધવરાવતી બોલી.

‘મેરિયો આવ્યો. આપણા લૅરખડો મેરિયો દેશાવરથી માયા રળીને આવ્યો, રૂપરૂપની અવતાર અમેરિકણ પરણી લાવ્યો’ : એવી વાત ગામડામાં ઘેરઘેર પ્રસરી ગઈ. ગરીબ ગામડિયાં રાજી થયાં. ડુંગરામાં ઘેટાં ચરાવીને મુશ્કેલીથી ગુજારો કરનારા લોકો આશા સેવવા લાગ્યાં કે મેરિયોના વસવાટથી ગામમાં દિવેલ પુરાશે, ગામનાં નૂરતેજ વધશે.

લીલુડા પહાડોની સાંકડી ગાળીમાં સૂતેલું આ ગામ, અને ગામલોકોની મમતાભરી ગોદમાં પોતાનું નાનું આ રહેઠાણ : પહાડોમાંથી ગળાઈ ગળાઈને લવંડર, લીંબુ, યુકેલિપ્ટસ ઈત્યાદિ સુગંધી ઝાડવાંની સોડમોને લઈ આવતા મહેક-મહેક વાયરાની સામે બાથ પહોળી કરીને મેરિયો ઊભો રહેતો. એનું મગજ તર બની જતું. જિંદગીમાં બસ તાજી તાજી ખુશબો

436
બહારવટિયા-કથાઓ