આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એમ કરું તો તમે મારા ભેળા ભળેલા ઠરો. તમારી ફરજ પોલીસને ખબર દેવાની થઇ પડે. જો તમે ન ખબર આપો, તો મારો ગુનો એ જ તમારો ગુનો બની જાય. મારે એવું નથી કરવું. ના, ના, બસ તમારે તો એટલું જ સમજવું - કે આપણે મળ્યા છીએ. તમે મને શોધતા હતા, અને મારી બંદૂકને જોરે તમારે મને કોટ તથા બજર આપવાં પડ્યાં. તમને મારી યોજનાની કશી જ જાણ નથી. એટલે તમે નિર્દોષ છો. બાકી મારી પાસે તો પૂરતો દારૂગોળો છે. આજે જ મેં એક સાબરનો શિકાર કરીને આ ગિયુસેપ્પી ગોવાળને આપી દીધો. એ રીતે મને આજની રાતે આશરો દેનારને હું દામ ચૂકાવું. કાલે એ ફોજને કહેશે કે આજ રાતે હું અહીં હતો. પણ એ કહેતો હશે એ ટાણે તો હું અહીંથી ક્યાંય દૂર નીકળી ગયો હોઈશ.”

એ જ ટાણે બહારથી એક ધીરી સીટી સંભળાઈ. બહારવટિયો ઝબકીને ખડો થયો. જોરથી એણે અમારા હાથ દાળ્યા. કહ્યું, “તમે આ ગિયુસેપ્પી ગોવાળની સાથે અહીં જ રહેજો. એ તમારા વતીની ખાતરી આપશે. મારા તકદીરમાં તો હવે આરામ નથી રહ્યો. સલામ !”

ફરી કદી મેં મેરિયોને દીઠો નથી. બીજે દિવસે સવારે અમે ગામડામાં પહોંચી ગયા. ત્યાં વાતો સાંભળી કે પરોઢિયામાં બહારવટિયાને અને ફોજને ધિંગાણું થઈ ગયું. તેમાં બહારવટિયાએ બે સિપાહીઓના ટોપામાં બાકોરાં પાડ્યાં હતાં. કોઈના જાનને એણે જફા નહોતી કરી. તે દિવસે તો ફોજે પણ વધુ પીછો લેવાનું બંધ રાખ્યું હતું.

વાહ ! સિપાઈઓની ટોપીઓ વીંધી – જાન ન લીધા. બહારવટિયાએ પોતાની ઓરતના સંદેશાને કેવો પવિત્ર કરી માન્યો ! એનું નામ નેકી.

અમને લાગ્યું કે ઇટલીમાં અમારા વધારે રહેવાથી બિચારી બેટીના પર આફત આવશે. અમે ગમગીન હૈયે ચાલ્યા ગયા. ઇટલી છોડી દીધું.

બહારવટિયો પકડાયાના ખબર વિનાના ઘણા દિવસો ગુજર્યા. અમને આશા હતી કે એ બચી છૂટશે. ઇટલીનો સીમાડો વળોટી જશે.

પછી તો યુરોપના આકાશમાં તુમુલ તોફાનના ગડેડાટ ગાજી ઊઠ્યા. મહાયુદ્ધ જાહેર થયું. બહારવટિયો ઝલાવો એ અશક્ય વાત બની.

માનવીનું ભાગ્યનિર્માણ કેવું અકળ છે ! જગની જાદવાસ્થળી બરાબર જાણે એના બચાવની ઘડીએ જ આવી પહોંચી. એનો એના પ્રિયજનોની સાથે મેળાપ થયો કે નહિ તેની મને ખબર નથી. મેં તો ફક્ત અફવાઓ જ સાંભળી હતી, કેમ કે હું પણ બીજાં લાખોની માફક, શોણિતરંગી યુદ્ધદેવતાની સન્મુખ કૂચકદમ કરતો, એ મહાકાળને સલામ ભરતો ચાલ્યો જતો હતો – સમરના મેદાન પર.

મેરિયો શિકારી
447