આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થયેલો. ત્યાંથી શિકારે નીકળેલા એક અમીરે મને ઉઠાવી જઇને આશરો દીધો. બીજાં બચ્ચાંઓની ભેળો મને પણ ભણાવવા માંડ્યો. પણ અમે જિપ્સી લોક, મારી નાખો તોવે મને વિદ્યા ન ચડે, અમે કામકાજનાં આળસુ : ચોરીમાં, નાચગાનમાં ને શિકારમાં પ્રવીણ : બુદ્ધિમાં કોઈથી ઊતરતાં નહિ, પણ કામ ? મહેનન ? એને ને અમારે આડવેર.

પણ હું ચતુર, અક્કલમંદ જુવાન બન્યો, એટલે માલિકે મને એના ફરજંદ માઇકલનો ખાસ પાસવાન બનાવ્યો, બ્યુડાપેસ્ટ નગરમાં માઇકલ ભણ્યો તે તમામ વ૨સો હું એની જોડે જ હતો. ને માઈકલ પણ કેવો માલિક ! ભારી ભલો : અસલ જાતવંત મેગ્યર : મગરૂર અને જોશીલા જિગરનો જુવાન : સાથેસાથે કેવો રહેમદિલ ને વિચારવંતો ! ઓહોહો, કેટલી કેટલી અમીરજાદીઓ એનો પ્યાર જીતવા તલખતી’તી ! પણ માઇકલનું દિલપંખીડું એ મહેલાતોમાં, અમીરી રૂપનાં ગુલાબોમાં અને ભપકામાં માળો ન નાખી શક્યું, મુકદ્દરમાં ભયંકર વાત માંડી હશે ને !

એનો બાપ ગુજરી ગયો. એના ખેડૂતોએ એને છેતરીને કંગાલ કરી મૂક્યો. મીણ જેવો જુવાન કડક ન બની શક્યો. મને અને એક ઘોડાને નભાવવા જેટલી તાકાત માંડમાંડ બાકી હતી. એવે ટાણે એક વાર અમે બેઉ એના બાપના ભાઈબંધ એક ઉમરાવને ગઢે ગયા. ત્યાં જુવાન માઇકલના ઉપર કેવું વશીકરણ થઈ ગયું !

પહોળા ચોગાનમાં ગામના ઉમરાવો અને અમલદારોની મેદની વચ્ચે એક કૂંડાળાની અંદર મારી જ ઝીગાની જાતનાં નટલોક કોઈ ભારી જલદ નાટારંભ ખેલી રહેલાં છે, અને એ તાળીઓ પાડતાં મર્દો-ઓરતોની વચ્ચોવચ્ચ એક જોબનવંતી કામરૂ કન્યા ઘેલી ચકચૂર બનીને પોતાના બદનનું સર્પાકાર નૃત્ય, વાજિંત્રોના સૂરતાલ સાથે એકતાર બની જઈને બતાવી રહી છે.

મેં જોયું કે માઇકલ કોઈ કારમી ચોટ ખાઈને આ કામરૂ સુંદરી સામે તાકી રહ્યો છે. એના ચહેરા ઉપર મૉતની ફિક્કાશ ચડી આવે છે.

“ઓ જોસફ !” એણે મને કહ્યું, “આ પોતે જ મારા સ્વપ્નની સુંદરી. હું એને જ પરણીશ, ઉઠાવી જઈશ.”

સાંભળીને મને કોઈ અપશુકનનો આંચકો લાગ્યો, કેમ કે આ ઝીગાની લોકો – આ કામરૂ લોકો – પોતાની જાતની બહાર શાદી કરતા જ નથી. ને એની કન્યાને ઉઠાવી જવી એ તો મોત સંગાથે રમવા જેવું થશે. હું તો એ પણ જોઈ રહ્યો હતો કે આ છોકરી વૈભવવિલાસની લાલસામાં ચકચૂર હતી.

સાંજ પડી. એ છોકરી – એનું નામ નાઈઝી – એક મોટા ખંડના ખૂણામાં બેઠી બેઠી સૌના હાથની રેખાઓ જોતી હતી, ભવિષ્ય ભાખતી હતી.

માઇકલ એની પાસે પહોંચ્યો. કહ્યું, “ઓ કામરૂ ! મારુંય કિસ્મત કહે.”

પ્રથમ તો કામરૂ લોકો ધંધાદારી રીતે જે ઢોંગધતૂરા કરે છે તે ચાલ્યું. પણ પછી એકાએક છોકરીએ ઊંચું જોયું. એની બે કાળી મોટી આંખો તાજુબી સાથે - થરથરાટ સાથે માઇકલનાં મોં તરફ તાકી રહી.

“તારી હસ્તરેખામાં કાળ છે – મૉત છે - મૉત સિવાય કંઈ જ નથી.” એ પુકારી ઊઠી : “તારું મૉત - અને તારી સંગાથેના અનેકનું ! તને દેખીને, ઓ જવાન, મને કંઈનું

કામરૂનો પ્યાર
467