આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતો. ખાઈ ઉપર લાકડાનો એક નાનો પુલ હતો. પુલ ઉઠાવી લઈએ એટલે શત્રુને પેસવાની તસુય જગ્યા ન રહે. અંદરના આખા વાસમાં કંઈક કુદરતે કોરેલી અને બીજી પુરાતન કાળના કોઈ દૈત્ય-શાં જબ્બર માનવીઓએ કંડારેલી ગુફાઓ હતી.

મારા ધણીએ સજાવટ માંડી દારૂગોળા, હથિયાર, લૂગડાં, અનાજ વગેરે તમામ સાયબી લાવવા સારુ ગાંડાં ને ઘોડાં મોટાં શહેરોમાં રવાના કર્યા. બાલ્કન લડાઈ માયલી એક તોપ પણ મેળવીને વંકી ટેકરી પર માંડી દીધી. એક ઊંચી બત્તી લટકાવી. સંત્રીઓ બેસાર્યા.

આમ રીતસર સરકાર સામે મોરચા માંડ્યા અમારાં માથાં સાટે મોટાં ઇનામો તો જાહેર થઈ ચૂક્યાં હતાં. પણ પહાડોનાં જાણભેદુ જિપ્સી લોકોમાંથી કોઈ એ લાલચમાં ન લપટાયું. કારણ ? કારણ કે જિપ્સીઓને ઊંડી દા’ ભરી હતી. ઑસ્ટ્રિયાના ગવર્નર ત્રીસ જિપ્સીઓને રિબાવી રિબાવી, ખોટેખોટાં કદી ન કરેલાં ખૂનો કબૂલ કરાવેલાં અને ખૂનોની લાશો ન જડી તે પરથી આ અભાગી કામરૂઓને માનવભક્ષી અઘોરીઓ ઠરાવી ફાંસીએ લટકાવ્યા હતા. તેઓને આજ એ વેર વાળવાનું ટાણું મળ્યું હતું.

પણ આ બધી સજાવટ અને સાયબીમાં શી મઝા હતી મારા માલિકને ? જેને સારુ આ મૉત નોતર્યું ને નાઇઝી તો એકની બે થતી નથી. પોતાની અલાયદી ગુફામાં એ રહે છે, એનો એકેય કોડ અણપૂરેલો રહેતો નથી. છતાં એનું દિલ નિષ્ઠુર જ રહ્યું.

એવી જિંદગીથી કંટાળીને માઇકલે જાહેર કર્યું કે આ બધી દોલત નાઈઝીને સોંપી દઈ હું જાઉં છું જગતમાં પાછો. ત્યાં સરકારની તોપે બંધાઈને ખતમ થઈ જઈશ.

કામરૂઓએ ખૂબ કલ્પાંત કર્યો. પણ માઇકલ ઘોડે ચડી નીકળી ગયો. હું પણ એની જોડે મરવા ચાલ્યો, ટેકરી પરની તોપમાંથી છેલ્લી સલામ હડૂડી ઊઠી. પણ અમે ખીણમાંથી નીકળતા હતા ત્યાં તો પછવાડે ઘોડાના દાબડા ગુંજ્યા. મારતે ઘોડે, પોતાના માથા પરનો સદ વાદળી સરખો ઘૂંઘટ ફરકાવતી નાઇઝી આવે છે.

માઈકલે ઘોડો થોભાવ્યો. એ નીચે ઊતર્યો. પહોળી ભુજાઓ પાથરતી નાઈઝી દોડીને એના પગમાં પડી ગઈ. બાઝી પડી.

“ઓ ધ્વારા માઈકલ ! હું નિષ્ઠુર હતી, કેમ કે હું તને પ્રાણથી વધારે ચાહું છું. મારા તકદીરમાં લોહી છે. તારા ને મારા મિલાપમાં કાળ બેઠો છે. પણ હવે તો ભલે આવે કાળ ! હું ન છટકી શકી. હવે થોડું સુખસોણલું જોઈ લઈને હું તારે હાથે ખતમ થઈ જઈશ. તું પણ મારી પછવાડે જ મરવાનો છે, તો આવ પ્યારા ! હા-હા-હા-હા !”

એ પાગલ હાસ્યના પડઘા પહાડના પ્રત્યેક શિખરમાંથી ગુંજી ઊઠ્યા. કાપેથિયન જાણે કે સાક્ષી પૂરતો હતો.

બીજે દિવસે બેઉ પરણ્યાં. ઓ ભાઈ ! એ વખતની એ કામરૂ ખૂબસૂરતી અને માઇકલના મોં પરનું એ સુખ – એનો જોટો મેં ક્યાંય જોયો નથી.

પછી તો ઓરતો અમારી જાસૂસો, અને સરકારી તિજોરીઓ ઉપર તૂટી પડવું એ અમારો ધંધો. અનેક જવાનો અમારી ફોજમાં ભળ્યા. નેકી અને મૂંગી તાબેદારી એ અમારો કાયદો, ખૂટલને માઇકલ તોપે ઉડાવતો. અને અમારી એ તમામ રાજવટની રાણી હતી નાઇઝી.

પણ એક વરસમાં તો નાઇઝીને થાક આવ્યો. બહારવટાની જિંદગી એને કડવી ઝેર

કામરૂનો પ્યાર
471