આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કંઈક મહિના ચાલ્યા ગયા, પણ હજુ ક્યાંય રૂપાનાં દર્શન થતાં નથી. કહે છે કે યંત્રો ચાલુ થયાં છે, રોજના મજૂરોની રોજી ચુકવાવી લાગી છે, છતાં ક્યાંય કાચી ધૂળનોય પત્તો નથી. શું કરીએ ? આજે તો આ યંત્ર ખોટકી ગયું. આજે પેલું ચક્કર તૂટી પડ્યું, આજે ખાડામાં પાણી ભરાઈ ગયું. લાવો વધારે રકમ ! લાવો, લાવો ! હૈયાફૂટો ભાઇ ગળાડૂબ ઊતરી ગયો.

“બહેન ! એક દિવસ લૉરેન્ઝોએ આવીને અચકાતાં અચકાતાં પૂછ્યું : તારા ખાતામાંથી થોડી રકમ મને ઉપાડવા દઈશ ? ડૉન મેન્યુઅલને ધીરેલી રકમની ભરપાઈ મારે આજે જ બૅન્કને કરવી પડશે.”

“મારી રકમ !” બહેનનો ચહેરો રૂની પૂણી જેવો સફેદ બની ગયો : “મેં તો એ બધું જ ઉપાડીને ક્યારનુંય એમને દઈ દીધું છે – એમને ખાણ પર પેલા સંચાની જરૂર હતી તે દિવસે.”

ભાઈના ચહેરા ઉપર અને આંખોમાં સંદેહની શ્યામ વાદળીઓ વીંટળાઈ ગઈ . થર થર થતે શરીરે એ ચાલ્યો ગયો.

બહેનના અંતરમાં પણ ઓળા છવાઈ રહ્યાં. ઓચિંતો એને જાણે કોઈ આંચકો લાગ્યો હોય તેમ એ ઊભી થઈ. શરીર પર લાંબો સાયો અને મોંમાથા પર શ્યામ ઘૂંઘટપટ નાખીને પિયુજીને ઘેર પહોંચી. બારણા પર ટકોરા દીધા. એક ઓરતે આવીને બારણું ઉઘાડ્યું.

પોતાના ચહેરાને જેમ બને તેમ અંધારે લપાવીને એણે કહ્યું : “મારે ડૉન મેન્યુઅલને મળવું છે.”

“મારે પણ પીટ્યાને એને જ મળવું છે, બાઈ !” ઓરતે ઉત્તર વાળ્યો; “હું પણ ઠેઠ દુરાન્ગો શહેરથી ટલ્લા ખાતી ચાલી આવું છું અને મને તો ખબર પડી છે કે મારો પીટ્યો એ જુગટિયો, જે એક દી રાતે હાથમાં હાથકડી પડવાની બીકે મારા ઘરમાંથી નાસી છૂટ્યો છે, તે તો આજે મોટો શેઠિયો બની બેઠો છે – એંહે ! અને પોતાને ડૉન મેન્યુઅલ નામે ઓળખાવે છે. ઓય મારા રોયા, તારાં છાજિયાં લઉં ! મોટો શેઠિયો ન જોયો હોય તો ! અરે પણ બેન ! તું – તું કોણ છે. બાપુ ? તેં ભલે તારો ચહેરો છુપાવી રાખ્યો. પણ આંહીં તો એને એકોએક ઓરડામાં તારી તસવીર ટીંગાય છે, બેન ! તું કોણ છે ?”

“હું સિનોરીટા કારમન – એની ભવિષ્યની અર્ધાંગના.” પોતાની છાતીમાં ખંજર ચાલી રહ્યું હતું છતાં પણ કારમને ગર્વભેર ઘૂંઘટ ઉઠાવીને પીઠ પર નાખી દીધો.

“આ – હા – હા – હા !” વિકરાળ અટ્ટહાસ્ય કરતી એ ઓરત કારમનને કાંડું ઝાલીને અંદર લઈ ગઈ.

“તું એની ભવિષ્યની અર્ધાંગના ! ઓ જગજનની ! પણ યાદ કરજે મને, એક વાર જો તું એની અર્ધાંગના બનીશ તો તને શી-શી વીતશે તે હું જાણું છું. દસ વરસ સુધી હુંય એની અર્ધાંગના હતી. આમ જો, બેન ! આ સામે સૂતું છે તેની સામે જો ! એ દીકરો છે – મારો અને એનો. પણ, ઓ બેન ! એ તો રાક્ષસ છે રાક્ષસ. મને એ આંહીં ભાળશે કે તુરત જ ગોળીએ દેશે. આજ બે વરસથી હું એને શોધતી ફરું છું. એનો એક આદમી અહીં હતો. પણ હું આવી છું ત્યારથી અહીંથી દોડતો-દોડતો ક્યાંક રવાના થઈ ગયો છે.”

420
બહારવટિયા-કથાઓ