આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
કાઠિયાવાડ રાજકીય પરિષદ

એવો મારો સ્વભાવ છે. હવે ‘યંગ ઇંડિયા’માં હું અરસપરસની ગાળો, અને ગમે તેની ગમે તે ફરિયાદો છાપ્યે જાઉં તો એ છાપાની જે પ્રતિષ્ઠા છે તે રહે ખરી? ‘નવજીવન’માં મારી પાસે જેટલું આવે તેટલું ચીતરું તો કોઈ વાંચનાર રહે ખરો ? એ નિયમને લીધે જ મેં બંને છાપાંને માટે કાંઈક પ્રતિષ્ઠા મેળવી છે. એ નિયમમાં પણ કોઈકવાર ભૂલ થઈ જાય છે. એટલે મુત્સદ્દીઓને અને લેખકોને કહું કે તમે કલમને કેદમાં રાખજો, અને આત્માનો વિકાસ કરજો, લોભ તમે શબ્દનો કરો, આત્મોન્નોતિનો નહિ. ખુશામત પણ ન કરજો, ક્રોધ પણ ન કરજો. સંયમમાં ખુશામત નથી, જ્યારે ક્રોધ— વાંકો શબ્દ — ખુશામત કરતાં પણ ખરાબ છે. ખુશામત અને ક્રોધ એ એક જ વસ્તુની — નબળાઈની — બે બાજુ છે. વક્ર બાજુએ ક્રોધ છે. નબળો માણસ ખુશામત કરે અથવા પોતાની નબળાઈ ઢાંકવા માટે ક્રોધ કરે. કોઈ પણ ક્રોધી પુરુષ એમ ન માને કે તેણે જોર બતાવેલું છે. જોર કર્મમાં રહેલું છે. અને કર્મ એટલે ધર્મપાલન. જગતનું હૃદયસામ્રાજ્ય ભોગવનારાએ સંયમાગ્નિમાં પોતાની ઇંદ્રિયોને ભસ્મ કરેલી હોય છે. તમે પણ કાઠિયાવાડનો ઉદ્ધાર કરવા ઇચ્છતા હો તો યાદ રાખજો કે શાંતિ અને સંયમથી જ તમે તે સાધી શકશો. રાજા પોતાનું કામ દંડથી લે છે. તમે તમારું કામ સેવા અને પ્રેમથી લેજો, તમારાં સેવા અને પ્રેમનું રાજા અને પ્રજા બંને ઉપર સિંચન કરો કે જેથી ઉત્પન્ન થયેલી કાઠિયાવાડની સુવર્ણવાટિકા સૌ જોવાને આવે. મારો આશિર્વાદ છે — જો આશીર્વાદ આપવાનો મારા અધિકાર હોય તો — અને નહિ તો હું ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરું કે એવો દિવસ તુરત આવો.

નવજીવન, ૧૫–૧–૧૯૨૫