આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૬
કાઠિયાવાડનાં સ્મરણો

પ્રેમસાગરમાં

જ્યારે જ્યારે કાઠિયાવાડમાં હું જાઉં છું ત્યારે ત્યારે પ્રેમનો અસાધારણ અનુભવ કરું છું. એથી મને હવે નવાઈ નથી લાગતી. હું તો બધે કાઠિયાવાડ જોઉં છું. છતાં કાઠિયાવાડના પ્રેમની અસર કંઈ જુદી જ થાય છે. કેમ જાણે કાઠિયાવાડમાં પ્રેમની મને જરૂર જ ન હોય ? અથવા કાઠિયાવાડની પાસેથી પ્રેમનું પ્રદર્શન જ ન ઇચ્છતો હોઉં ? એ લાગણી શું છે એ હું કળી નથી શકતો. કાઠિયાવાડમાં વળી પ્રેમપ્રદર્શન શું? ‘વિનયની પૂરણી’ માગે તે સ્નેહ કેવો?

વધારે આશા

અથવા તો, એ ખરું નહિ હોય કે કાઠિયાવાડની હું વધારે આશા રાખું છું? જાણે તેના બાહ્ય પ્રેમથી મને સંતોષ જ ન વળતો હોય ! એટલા જ પ્રદર્શનથી મનમાં ને મનમાં હું ધૂંધવાતો તો ન હોઉં ? વિવેક કરવામાં મા દીકરાને રોટલો આપવાનું ભૂલી જાય ને તેને સારુ ચોકો લીંપવામાં ગૂંથાઈ જાય તો જેમ દીકરો માને વેગળી માને, તેમ તો મને નહિ થતું હોય ? વિવેક મૂકીને, જે લેવા હું આવ્યો છું એ જ મને આપો એટલે વિવેક કરતાં વધુ મળ્યું, એમ હું મારા વર્તનથી બતાવતો તો ન હોઉં ?