આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
કાઠિયાવાડનાં સ્મરણો

છે એ પ્રશ્ન હતો. હરાવ પ્રમાણે તો વિરોધી કલમો હોય તે ઊડી જાય. પ્રશ્ન અટપટો હતો, પણ મારે ચુકાદો આપ્યા વિના છૂટકો ન રહ્યો. મેં એ ચુકાદો આપ્યો છે કે, આજન્મ સભ્યો કાંતે નહિ ને કાંતે તોપણ સભ્ય તરીકે રહી શકે છે. કાયદેસર હક રદ કરવાનો પરિષદને અધિકાર છે કે એનો નિર્ણય મેં નથી આપ્યો. પરિષદના ઠરાવથી આજન્મ સભ્યોના હકમાં ફેરફાર થાય છે કે નહિ એટલા જ પ્રશ્નનો નિર્ણય કરવાની મને જરૂર હતી, અને એ નિર્ણય મેં ઉપર પ્રમાણે આજન્મ સભ્યોની તરફેણમાં આપ્યો છે.

તેઓને પ્રાર્થના

પણ મારી તેઓને પ્રાર્થના છે કે, તેઓએ આ હકનો લાભ ન ઉઠાવવો પણ પરિષદના મંત્રીને પોતાનો હક છોડવાનો ને પરિષદના ઠરાવને સ્વેચ્છાએ સ્વીકારવાનો પત્ર લખી મોકલવો. હું જાણું છું કે ઘણા સભ્યો તે ઉપર મુજબ સવાલ ઉઠાવવા જ નહોતા માગતા. ઘણા કાંતવાને તૈયાર છે. એટલે જ્યાં મહત્ત્વનો ફેરફાર પરિષદે કર્યો છે ત્યાં આજન્મ સભ્યો પોતાના હકની રૂએ તે ઠરાવને માન ન આપવું એ અઘટિત છે, એમ મારી અલ્પ મતિ છે.

સર પ્રભાશંકર પટ્ટણી

સર પ્રભાશકર પટ્ટણીની કાંતવાની પ્રતિજ્ઞાને હું કેટલેક અંશે પરિષદનું મહાન કામ માનું છું. જે શબ્દોમાં તેમણે પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી તે અતિશય ગંભીર હતા, તેની છાપ પણ સભ્યો ઉપર ખૂબ પડી હતી. તે પ્રતિજ્ઞાનું મૂળ આ હતું. બેલગામમાં મહાસભાની પૂર્ણાહુતિ પછી ઘણાઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ પહેલી માર્ચ પહેલાં અમુક સંખ્યામાં