આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
કાઠિયાવાડનાં સ્મરણો

માગણી કે ઇચ્છા ન હતી. કાંતવાને રાજ્યપ્રકરણ સાથે મારી દૃષ્ટિએ સંબંધ છે. પણ તે સંબંધના ખ્યાલ વિના પણ કાંતવાની ક્રિયા તો થઈ જ શકે છે. તેમાં જે ગરીબ પ્રત્યે ધાર્મિક લાગણી રહી છે ને તેમાં જે અર્થશાસ્ત્ર રહ્યું છે તે તો બધાને માન્ય થાય એવી વસ્તુ છે. હું તો ઇચ્છું છું કે લૉર્ડ રીડિંગ પણ કાંતે. રાજકારણના ખ્યાલ વિના પણ જો રાજા પ્રજા ઉભય કાંતતાં થઈ જાય ને ખાદી પહેરતાં થઈ જાય તો, હું જાણું છું કે, હિંદુસ્તાનનો ઉદ્ધાર એની મેળે થઈ જાય. આ એક એવી વસ્તુ છે કે તેમાં બધા વિનાસંકોચે ભાગ ભાગ લઈ હિંદની થોડીઘણી પણ સેવા કરી શકે છે.

રૂનું ઉઘરાણું

પરિષદ પૂરી થઈ કે તુરત, ગરીબોને રૂ પૂરું પાડી તેમની પાસેથી કેવળ અરધા કલાકની મહેનત લેવાના ઇરાદાથી, રૂનું ઉઘરાણું કરવા ભાઈ દેવચંદ પારેખ, ભાઈ મણિલાલ કોઠારી, ભાઈ બરરોરજી ભરૂચા વગેરે નીકળી પડ્યા, ને ભાવનગર છોડતા લગીમાં લગભગ ૨૭૫ મણ રૂનું ઉઘરાણું થઈ ગયું. લગભગ બે હજાર મણની ભિક્ષા કાઠિયાવાડખાંથી જ મેળવવાની ઉમેદ રહી છે. હું આશા રાખું છું કે ઉઘરાણું હોંશપૂર્વક થશે ને જેઓ આપવાને લાયક છે તે આપતાં મુદ્દલ સંકોચ નહિ કરે.

નવજીવન, ૧૮–૧–૧૯૨૫