આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૮
રડીને રાજ્ય લેવું છે
(રાજકોટમાં આપેલું ભાષણ)

આજે સવારે આ દરબારગઢમાં દાખલ થતાં જ મને પૂર્વનું એક પવિત્ર સ્મરણ યાદ આવ્યું, અને તેની હું લીલાધરભાઈને વાત કરતો હતો ત્યાં તો મોટર અહીં આવીને ઊભી. એ પવિત્ર સ્મરણ હું આપની આગળ આજે રજૂ કરવા માગું છું. માજી ઠાકોર સાહેબના તરફથી એક વાર કાનપુર અને ધરમપુર એમ બે ઊંજણાં જતાં હતાં. આવા પ્રસંગે મારા પિતાશ્રી છોકરાઓને પાછળ જ રાખતા, અને આજે એ વાતનો વિચાર કરું છું ત્યારે મને મનમાં થાય છે કે એ બરોબર હતું. એથી અમે બંને ભાઈઓએ કશું ખોયું જ નથી. મારી માતુશ્રીની સ્થિતિ જુદા પ્રકારની હતી. તે અમને ઊંજણામાં મોકલવા ઇચ્છતી હતી, તેને ધનનો લોભ હતો. અને કીર્તિ તો નારી રહી, એટલે તે નારીને વરે શેની ! તોયે એને કીર્તિનો પણ લોભ રહેતો આ ઊંજણાં વખતે અમને પાસે બોલાવીને તેમણે કહ્યું, ‘ઠાકોર સાહેબ સજ્જન માણસ છે, તેની પાસે જાઓ, અને રોવા મંડો, એટલે તે તમને જવા દેશે.’ ઊંજણું તો નીકળી ચૂકેલું હતું. મારી માતા એમ ઇચ્છતી હતી કે મારા દીકરાને ધરમપુર મોકલવામાં આવે, કારણ ત્યાંથી વધારે પૈસા મળે એમ હતું. એટલે બસ અમે તો માતાની શિખામણ માનીને ગયા લાગલા ઠાકોર સાહેબની પાસે. આ દરબારગઢ જોઉં છું અને જે જગ્યાએ અમે ઠાકોર સાહેબ પાસે અમારી વિનંતિ લઈને ગયેલા તે સ્થાન પણ મને યાદ આવે છે.