આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

બે મુખ્ય પ્રવૃત્તિનો તમે માનપત્રમાંથી ત્યાગ કર્યો તે મને ખટકે છે. અત્યારે મારે કાનપુર અને ધરમપુરના ઊંજણામાં જવું છે. ઠાકોર સાહેબનાં ખરાં લગ્ન તો પ્રજાની સાથે છે, અને લગ્ન થાય તે માટે ઊંજણામાં જવાની માગણી મારી ખાદી અને હરિજનોદ્ધારની છે. પ્રજા તો કુમારિકા છે, અને તેને કુંવારી મટાડવા ઇચ્છતા હો તો એને વરો, એને સુખી કરો, એનું નિરીક્ષણ કરો, રાત્રે ફરીને એનાં દુઃખોને અને ફરિયાદોનો અભ્યાસ કરો, રામે ધોબીની ઊડતી વાત સાંભળી સીતાજીનો ત્યાગ કરેલો. તમે પણ પ્રજામત જાણીને તે પ્રમાણે વર્તવાનો યત્ન કરો. રાજાની તલવાર એ સંહાર કરવાનું ચિહ્ન નથી, એ તો રાજાનો ધર્મ ખાંડાની ધારે ચાલવાનો છે એ વાતની સાક્ષીરૂપે છે. ખાંડું હમેશાં યાદ અણાવે છે કે ખાંડાની ધારે ચાલજો, સીધે રસ્તે ચાલ્યા જજો, આડાઅવળા ન જશો. એનો અર્થ એ કે રાજકોટમાં એક પણ માણસ ભિખારી ન હોય, એક પણ માણસ દારૂ પીનાર ન હોય, છકેલો ન હોય, દરેક બાળા સીતાનું સ્થાન લેવા યોગ્ય હોય.

મને મારા પિતાનું સ્મરણ થાય છે. મારા પિતામાં એબો હતી પણ ગુણો પણ ભારે હતા. માજી ઠાકોર સાહેબમાં પણ એબો હતી, ગુણો પણ હતા. એમના બધા ગુણો આપનામાં ઊતરો, પ્રજામાં ઊતરો. એબોને પ્રયત્નપૂર્વક દૂર કરવી એ આપનો ધર્મ છે, દુર્બળતાને બદલે સબળતા દાખલ કરવી, મેલને બદલે પવિત્રતા દાખલ કરવી એ આપનો ધર્મ છે. એટલે ગરીબોની ઉપર દયા રાખજો, તેમને ખવડાવીને ખાશો. તમારી તલવાર તમારા પોતાના ગળા માટે છે. પ્રજાને તમે કહેજો કે અધિકારની મર્યાદાથી ચ્યુત થાઉં તો એ તલવાર