આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
જન્મભૂમિદર્શન

એમ પૂછવાને બદલે ખાદી પહેરનારા જ ક્યાં છે એમ પૂછું. તમે ઝીણાં કપડાં પહેરવાની ઇચ્છા રાખો છો. મને કરોડાધિપતિઓએ સંભળાવ્યું છે કે ઝીણું તો હમેશાં કરોડાધિપતિને પણ ખરીદવું ન પાલવે. પણ જેમ તમે ઘરમાં ઝીણી ઝીણી શેવ બનાવો છો તેવું ઝીણું કાંતો તો ઝીણું પહેરી શકશો.

આ સૂતરનો ઇલાજ ન કરીએ ત્યાંસુધી સ્નેહની ગાંઠ નથી બાંધી શકાવાની. આખા જગતને તમે એ ગાંઠથી બાંધવા માગતા હો તો બીજો ઉપાય નથી, નથી ને નથી જ. હિંદુ-મુસલમાન સવાલને માટે પણ બીજો એક ઉપાય નથી. મારી સાથે રાજકોટમાં ભાઈ શ્વેબ કુરેશી આવેલા હતા. તેમને ત્યાંના મુસલમાનોએ કહ્યું કે, ‘ગાંધી તમને છેતરે છે, ખાદીનો પ્રચાર કરાવીને વિલાયતી કપડાંનો વેપાર કરનાર મુસલમાનોને ભિખારી બનાવવા માગે છે.’ પણ શ્વેબ કાંઈયે સાંભળે એમ નહોતું. તે જાણે છે કે હું મૂઠીભર પરદેશી કપડાંનો વેપાર કરનારા ઉપર એઠી નજર ન નાખું, તે પોતે ખાદીભક્ત છે, અને જાણે છે કે, જેટલી સેવા હું ઇસ્લામની કરી રહ્યો છું તેટલી ખાદીની કે દેશની નથી કરી શકતો. મુસલમાનભાઈઓએ સમજવું જોઈએ કે, તેમની જન્મભૂમિ આ જ છે, અને તેને સ્વતંત્ર કર્યાં વિના ઇસ્લામને સ્વતંત્ર થવાની આશા નથી.

મારી કાઠિયાવાડની કદાચ આ છેલ્લી મુલાકાત હોય. મારે કદાચ બહુ ઓછાં વર્ષ જીવવાનું હોય. મેં મહામુસીબતે મહાસભાનું પ્રમુખપદ સ્વીકાર્યું, કાઠિયાવાડ રાજકીય પરિષદનું પણ સ્વીકાર્યું. હવે માત્ર દસ જ મહિના રહ્યા છે. હું તમારી પાસે એથી જ આવ્યો છું કે તમે મને વિશેષે કરીને ભાઈ સમજતા હો — જોકે હું તો જીવમાત્રનો ભાઈ છું — તો મારી