આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
કાઠિયાવાડનાં સ્મરણો

વઢવાણના શહેરીઓને

રાજકોટ તેમજ વઢવાણના શહેરીઓને તે તે શાળાઓમાં રસ લેવા વીનવું. પણ મારી વિનવણી મુખ્યત્વે વઢવાણના શહેરીઓ પ્રત્યે છે. વઢવાણમાં આચાર્ય ફૂલચંદ અને શહેરીઓ વચ્ચે કંઈક કડવાશ હતી. મેં ઇરાદાપૂર્વક તે વસ્તુ સમજવાનો પ્રસંગ શોધ્યો. જેઓને ફરિયાદ હતી તે ભાઇઓને હું મળ્યો. પરિણામે મને એમ લાગ્યું કે ભાઈ ફૂલચંદના સ્વભાવની ઉગ્રતા સિવાય બીજું કારણ ફરિયાદનું ન હતું. નવી વ્યવસ્થામાં શહેરીઓને સંપૂર્ણ સ્થાન છે. શાળા શહેરીઓની છે. તેમાં તે ઉત્સાહપૂર્વક ભાગ લે એ ઇચ્છવા યોગ્ય છે. એમ ભાગ લેવો એ તેઓનો ધર્મ છે. એક સમયે તેઓ એવો ભાગ લેતા હતા. તેઓ દ્રવ્ય પણ દેતા હતા. સહુ કહેતા હતા કે, જો ભાઈ શિવલાલ જીવતા હોત તો વઢવાણનું તેજ જુદું જ હોત. પણ મનુષ્યમાત્રને મરવું તો છે જ. આપણો જેના પ્રત્યે સ્નેહ હોય તેઓને અમર રાખવા એ આપણા હાથમાં છે. વઢવાણના ઘણા સમજુ શહેરીઓ કાં શિવલાલ ન બને ? વઢવાણની શાળાનું ખર્ચ વઢવાણના શક્તિમાન શહેરીઓ ઉપાડે એ વધારેપડતી આશા નથી. આવી સંસ્થાઓનો પ્રાણ અધ્યાપકો છે. તેનું શરીર શહેરીઓ હોવા જોઈએ.

ઉદ્યોગશાળા

વઢવાણમાં ભાઈ શિવલાલે સ્થાપેલી કાંતવા વણવાની ઉદ્યોગશાળા પણ ધ્યાન ખેંચવા લાયક છે. એ શાળા મારફતે ખાદીનો પ્રચાર ઠીકઠીક થયો છે, પણ વઢવાણની આસપાસનાં ગામડાંઓની શક્તિના પ્રમાણમાં ઘણો ઓછો પ્રચાર થયો ગણું છું. જ્યાં આસપાસ કંઈ ન થયું હોય ત્યાં થોડું પણ