આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
‘ઉદ્ધાર ક્યારે થાય?’

પ્રજાને થોડો જ જવાબદાર રહેવાનો છે? અસિ, તલવાર, સમશેર, ‘સૉર્ડ’ બધા એક જ વસ્તુના વાચક છે.

દેશી રાજ્ય કરતાં અત્યારે અંગ્રેજી રાજ્ય નરમ લાગશે જ, એ તો અંગ્રેજી રાજ્યની ખૂબી છે. અંગ્રેજી રાજ્યે અમુક પક્ષને રીઝવીને જ કામ લેતું રહ્યું છે. તેથી મધ્યમવર્ગી મનુષ્યોને નિરંતર અન્યાય સહન નથી કરવો પડતો. અંગ્રેજી અન્યાયને મોટું ક્ષેત્ર છે, તેથી તે પ્રમાણમાં ઘણો છતાં વ્યક્તિ પરત્વે હળવો લાગે છે; અને સહવાસથી એ અન્યાયને આપણે ઓળખી પણ નથી શકતા. દક્ષિણ અમેરિકાના ગુલામોને સહવાસથી ગુલામી એવી મીઠી લાગી હતી કે, જ્યારે તેઓને ગુલામીમાંથી છૂટા કરવામાં આવ્યા ત્યારે તેઓમાંના કેટલાક રોવા લાગ્યા. ક્યાં જવું, શું કરવું, કેમ આજીવિકા મેળવવી, એ મહાપ્રશ્નો તેમની પાસે ખડા થયા. તેવી સ્થિતિ આપણામાંના ઘણાની છે. અંગ્રેજી રાજનીતિનો ઝીણો પણ ઝેરી માર આપણને જણાતો નથી. ક્ષયના રોગવાળા ઘણાને વૈદ્ય કહે છતાં તેમના ગાલની લાલી તેમને ભુલાવામાં નાંખે છે ને તેઓ જાણતા નથી કે એ લાલી ખોટી છે. તેમના પગની ફીકાશ તરફ તે નજર નથી કરતા.

વળી વાંચનારને ચેતવું છું. હું દેશી રાજ્યની હિમાયત નથી કરતો, હું હિંદુસ્તાનની દુર્દશા વર્ણવી રહ્યો છું. દેશી રાજ્ય ભલે ખરાબ હાય, તે ખરાબીની ઢાલ અંગ્રેજી રાજ્ય છે. અંગ્રેજી રાજ્ય, છીછરો વિચાર કરતાં, ભલે દેશી રાજ્ય કરતાં સારું લાગે; વાસ્તવિક રીતે દેશી રાજ્ય કરતાં સારું તો નથી જ. અંગ્રેજી રાજ્યપદ્ધતિ પ્રજાના શરીરનો, મનનો ને આત્માનો નાશ કરે છે. દેશી રાજ્ય મુખ્યત્વે શરીરનો નાશ કરે છે. અંગ્રેજી