આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
કાઠિયાવાડ રાજકીય પરિષદ

નીચેથી ઉપર લગી બધાની સાથે અનુસંધાન ને બધામાં એકતા. આ એકતા તે જેમાં બધાના પરસ્પર સંબંધની આવશ્યકતા હોય એવું રચનાત્મક કાર્ય છે. ખાદી જેટલું રાજ્યકર્તાઓને મૂંગે મોઢે, નમ્રતાથી, સંભળાવી રહેલી છે તેટલું લાંબાં ભાષણો કે લખાણો નથી સંભળાવી શકતાં. પણ ખાદીનું ભાષણ તો જે જાણે તે સાંભળે. તે મધુર ભાષણ સાંભળવાને તીવ્ર કાન અને એકાગ્રતા જોઈએ. અસ્પૃશ્યતાનિવારણ એટલે આત્મશુદ્ધિ, એટલે કે ગરીબોની સાથે હાર્દિક ઐક્ય. આ શક્તિની આગળ ધારાસભાનાં ભાષણો મને નજીવાં લાગે છે.

પણ આ તો મારા અંગત વિચારો. તેની ભેટ કાઠિયાવાડીઓને અને શ્રી. અમૃતલાલ ઠક્કરને કરું છું, તેમાંથી જે ગમે તે તેઓ સ્વીકારે ને બીજાનો ત્યાગ કરે.

રાજ્યપ્રકરણ મને સાંપવાનું મેં પરિષદને ભાવનગરમાં કહેલું. પરિષદે મને સોંપ્યું. તેમાં પરિષદે ભૂલ નથી કરી એમ હું માનું છું. મારાથી હું બતાવી શકું એવું કંઈ નથી થયું. મેં હાર ખાધી છે, મને કંઈક નિરાશા થઈ છે, પણ મને બીજો માર્ગ સૂઝ્યો નથી. માર્ગ તો એ જ હતો અને એ જ છે. કાઠિયાવાડ સમસ્તની પરિષદ એટલું જ કરી શકે, વિનય જ કરી શકે. તે તે રાજ્યની પ્રજા વિશેષ કરી શકે એ જુદી વાત છે. એ તે તે રાજ્યમાં કામ કરનાર રાજ્યપ્રકરણને જાણનારા કહી શકે, તેમણે કરવું જોઈએ. કાઠિયાવાડ રાજકીય પરિષદના ક્ષેત્રની મર્યાદા મેં ઇરાદાપૂર્વક આંકી છે. એની બહાર જવું કે નહિ એ આપણા પ્રમુખ વિચારે, અને આપણને નવો માર્ગ બતાવી શકે તો બતાવે.

નવજીવન, ૧૩–૧૨–૧૯૨૬