આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

જગજાહેર કરવી જોઈએ. આમ સાચી વાતનો સ્વીકાર કરી પરિષદ પોતાની અશક્તિ વહેલી દૂર કરશે ને પોતાને બચાવી લેશે એમ મેં સૂચવ્યું.

વિષયવિચારિણી સમિતિને સારુ આ ઘૂંટડો બહુ કડવો હતો. મને પણ આવી સલાહ આપવાનું ગમતું નહોતું. પણ મારો ધર્મે હું સ્પષ્ટ રીતે સમજી શકતો હતો. દુઃખદ સુખદ જે સાચું હોય તે કરવું જ જોઈએ. સાચું સુખ ક્યાં ઘણીવેળા ઝેર જેવું નથી લાગતું? કેટલાકને આ ઠરાવ અળખામણો લાગતો છતાં તેમણે ને બીજાઓએ અતિ ઉદારતા અને દીર્ઘદૃષ્ટિ વાપરી મારી સલાહનો સ્વીકાર કર્યો.

આથી મારી જવાબદારી વધી. હું જાણું છું કે આ ઠરાવનું કશું અનિષ્ટ પરિણામ આવે તો તેમાં મારો દોષ પ્રથમ ગણાવાનો છે. મને તે અનિષ્ટ પરિણામની કશી ધાસ્તી નથી એટલું જ નહિ, પણ મારી માન્યતા છે કે જો તે ઠરાવનો પરિષદ સદુપયોગ કરશે, તે ઠરાવની પાછળ જે કામો કરવાં રહ્યાં છે તે કરશે, તો પરિણામ સારાં આવ્યા વિના નહી રહે. સ્વેચ્છાએ મૂકેલા અંકુશ, સ્વેચ્છાએ પાળેલા સંયમ, સંચમીને હંમેશાં લાભદાયી નીવડે છે. સ્વેચ્છાએ મૂકેલા આ અંકુશને જુદો નિયમ લાગુ નથી પડતો.

પરિષદ મન, કર્મ અને વાચાથી આ ઠરાવનું પાલન કરશે તો મર્યાદાક્ષેત્રની અંદર રહેલાં કાર્યો કરવાની તેની શક્તિ વધશે. મર્યાદા પહેલાં રાજાઓ વ્યક્તિગત ટીકા કે નિંદાના ભયથી પરિષદ ભરવા દેતાં સંકોચ પામતા. મર્યાદા ચોખ્ખી રીતે ન જાણવાથી સભ્યો રાજ્યોના અંગત દ્વેષો દૂર કરવાના મોહક લાગતા પણ વ્યર્થ પ્રયત્નમાં પડતા, ને તેથી કરી શકાય