આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

એવો સંભવ છે કે મર્યાદાનું રહસ્ય જાણ્યા પછી તે તે રાજ્યો એકાએક સ્વચ્છંદી ન થઈ ગયાં હોય, જાહેર મતની છેક અવગણના ન કરતાં હોય, તો સમિતિનાં આવાં પગલાંને વધાવી લે, અને તેને પોતાની ઢાલ તરીકે પણ વાપરે. એટલું આ સ્થળે યાદ રાખવું જોઈએ કે આવી તપાસનો સિમિત ગેરલાભ ન ઉઠાવે, જે હકીકતો જાણે તેની જાહેર ચર્ચા ન કરે, અને જો તે તે રાજ્યની પાસે પહોંચવા ન પામે અથવા પહોંચતા છતાં સંતોષ ન મળે તોયે મૂંગે મોઢે સહન કરે અને સમજે કે રોગનું નિવારણ સમિતિની શક્તિની બહાર છે.

આવી મર્યાદિત દખલગીરી કહો કે તપાસ કહો, તેનું પરિણામ સમિતિનાં બાહોશી, ઉદ્યમ અને વિનય ઉપર નિર્ભર છે. જો તે પ્રથમથી જ તે તે રાજ્યોની સામે અભિપ્રાય બાંધી બેસે, ભરમાઈ જાય, તો કશું નહિ કરી શકે. રાજાઓનાં હૃદયને પિગળાવવાનો આત્મવિશ્વાસ તેનામાં હોવો જોઈએ. આવો આત્મવિશ્વાસ કેવળ રાજા પ્રજા ઉભયની અનન્ય સેવાથી આવે છે. બન્નેની સેવા તેમને રીઝવવા ખાતર નહિ, પણ તેમના ભલા ખાતર તટસ્થભાવે કરવાની હોય. આવી સેવામાં સ્વપ્ને પણ સમિતિના સભ્યોના અંગત સ્વાર્થ ન હોવા જોઈએ. દેશી રાજ્યોની હસ્તી ઉપર આપણે હાથ નાંખવા નથી માગતા, માત્ર તેની સુધારણા માગીએ છીએ, એ માન્યતા આ વસ્તુના ગર્ભમાં સમાયેલી છે. જો પરિષદ રાજ્યતંત્રનો જ નાશ કરવા ઇચ્છે તો પરિષદને રાજ્યોમાં મળવાનું સ્થાન જ નથી.

અહિંસાથી પરિવર્તન સધાય, નાશ ન સધાય; પ્રજાવાદને રાજાઓમાં સિદ્ધ કરાય, રાજાનો કે રાજ્યનો નાશ ન કરાય; રાજા પ્રજા ઉભયમાં જેટલું સારું છે તેટલાનો મેળ સધાય.