આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







સ્વરાજ એટલે રામરાજ્ય

[ મોરબીના ભાષણમાંથી ]

મારી પોતાની દૃષ્ટિએ સ્વરાજ અને રામરાજ્ય એક છે, જોકે ભાઈઓની આગળ હું રામરાજ્ય શબ્દ બહુ વાર નથી વાપરતો; કારણ આ બુદ્ધિના યુગમાં સ્ત્રીઓ આગળ રેંટિયાની વાતો કરનારની રામરાજ્યની વાતો બુદ્ધિવાદી જુવાનોને ટાયલા જેવી લાગે. તેમને તો રામરાજ્ય નહિ પણ સ્વરાજ જોઈએ, અને તેઓ સ્વરાજની પણ ચમત્કારિક વ્યાખ્યાઓ આપે છે. મારી દૃષ્ટિએ એ ધૂળ જેવી છે. પણ આજે જ્યારે મહારાજા સાહેબ સમક્ષ અને તેની પ્રજા સમક્ષ હું ઊભો છું, એક કલાક સુધી મહારાજાએ પોતાના હૃદયના ઉદ્‌ગારો મારી આગળ ઠાલવ્યા છે, ત્યારે તેમની આગળ મારા હૃદયના ઉદ્‌ગારો ઠાલવવાનું મન થઈ જાય છે. સ્વરાજની કલ્પના સામાન્ય નથી, પણ તે રામરાજ્ય છે. એ રામરાજ્ય તે કેમ આવે, ક્યારે આવે? જ્યારે રાજા પ્રજા અને સીધાં હોય, જ્યારે રાજા પ્રજા બંનેનાં હૃદય પવિત્ર હોય, જ્યારે બંને ત્યાગ તરફ વળેલાં હોય, ભોગો ભોગવવામાં પણ સંકોચ અને સંયમ રાખતાં હોય, બન્નેની વચ્ચે પિતા પુત્રના જેવી સુંદર સંધિ હોય, ત્યારે તે રાજ્યને આપણે રામરાજ્ય કહીએ. આ આપણે ભૂલ્યા એટલે ‘ડિમોક્રસી’ (પ્રજાતંત્ર)ની વાતો કરીએ છીએ.